દર વર્ષે ૧૪મી ફેબ્રુઆરીની ચાતક ડોળે રાહ જોતા યુવા વર્ગનો એક દિવસના આ ‘પર્વ’થી સંતોષ ન થાય એ સ્વાભાવિક છે. એટલે તો આ એક દિવસનો ‘ઉજવવા’ આખા અઠવાડિયાનો કાર્યક્રમ ઘડી નાંખવામાં આવ્યો.

૭મી ફેબ્રુઆરીના રોજ ‘રોઝ-ડે’ થી શરુ થાય અનુક્રમે રોજ ‘પ્રપોઝ ડે’, ‘ચોકલેટ ડે’, ‘ટેડી -ડે’, ‘પ્રોમીસ-ડે’, ‘કિસ-ડે’, ‘હગ-ડે’, અને છેલ્લે ‘વેલેન્ટાઇન-ડે’.

વાંચવામાં અને વિચારવામાં પણ કેવું ગમતીલું લાગે નહિ ? પણ આ જ ક્રમમાં આ દિવસો શું કામ ગોઠવ્યા હશે….?? ૭મી તારીખે જથ્થાબંધ ગુલાબની ખરીદી કરીને શક્ય એટલે જગ્યાએ પધરાવી દેવાયા પછી બીજા દિવસે નિરાંતે વિચારવાનું કે કોને-કોને ક્યાં શબ્દોમાં પ્રપોઝ કર્યુ હતું. વિચારવાનું જ નહિં, યાદ પણ રાખવું તો પડે જ ને.. ગોટાળો થાય તો બાવામાં બે ય નહિં, બારેબાર બગડે. જો કે તમે વિચારતા હો એ જ દરમ્યાન આવા દિવસોનું અનુભવી તમારી સામેનું પાત્ર તો એની પાસે તમારા જેવા કેટલાય લોકો તરફથી મળેલા ગુલાબનું શું કરવું એ વિચારી પછી બીજા દિવસથી આજના પ્રચલિત શબ્દ મુજબ ‘ચોકલેટ’ આપવાનું શરુ કરે….. તમે તો મનમાં હરખાતા હો…. પેલા …. ‘મનમે લડ્ડુ ફૂટને લગે ’ ની જેમ જ અને જાણે તમે ‘ટેડી’ હો એમ તમારી સાથે ‘રમકડું’ ગણીને રમવાની શરુઆત થાય….ભાઇ….ભા…રમતેય તમારા માટે તો મોંઘા મૂલું પ્રોમીસ જ ને? ….બીજા દિ’ નો સૂરજ ઉગે ત્યાં સુધી રાહ જોવાનું યે કેમ પોસાય….

“કિસ અને “હગ તો તમે એકલા જ પતાવી નાખો તે ૧૪મી તારીખે…!!!

“વેલેન્ટાઇન ડે એટલે વિજાતીય આકર્ષણના વિદેશી પવનમાં ઉડાઉડ કરવાની છેલ છા નહિં પણ ઇશુ ખ્રિસ્તીના ‘પ્રેમ’ના સંદેશાને આખા જગતમાં ફેલાવવા “સંત વેલેન્ટાઇન નામના પાદરીએ જીંદગી ભર કરેલા પ્રયત્નોની યાદગીરી રુપે શાશ્ર્વત પ્રેમનું મહત્વ સમજાવતો દિવસઆવું જ્ઞાન તમને થઇ જાય….ચર્મ ચક્ષુઓ ભલે એનું કામ કર્યા કરે પણ જ્ઞાની ચક્ષુ ખૂલી જાય….

જોકે આ તો વાંકી નજરે જોવા ટેવાયેલા, પ્રેમીની અનુભૂતિ સાથે દૂરનું યે સગપણ ન ધરાવતા કોક એકલવાયા આત્માના વિચારો હોઇ શકે… તમે તમારે…જરાય વિચલિત થયા વિના આગળ વધો… ડગલું ભર્યુ કે ના હટવું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.