શ્રાદ્ધપક્ષના દિવસોમાં શ્રદ્ધાળુઓ માટે નર્મદા કિનારે, માતૃગયા, પિતૃગયા તીર્થ ખાતે ખાસ આયોજનો: મહાલયમાં પિતૃઓને તર્પણ કરી મિષ્ટભોજન બનાવી તેમાંથી ગાય-કૂતરાનો ભાગ કાઢી કાગવાશ નાખી સહપરિવાર ભોજન લેવાનું વિશેષ મહત્વ
આપણી પ્રાચીન પરંપરાઓ મુજબ હિન્દુ ધર્મમાં શ્રાદ્ધનું વિશેષ મહત્વ રહ્યું છે. સદીઓથી આપણે વડવાઓની પરંપરા મુજબ પિતૃતર્પણ કરીએ છીએ. ભાદરવા માસના કૃષ્ણપક્ષને મહાલય અથવા શ્રાદ્ધપક્ષ કહેવામાં આવે છે. ભાદરવા માસના વદ એટલે કે અંધારિયાના દિવસોમાં આપણે પિતૃઓનું તર્પણ કરીએ છીએ. શ્રાદ્ધ પક્ષ દરમિયાન લોકો પોતાના પિતૃઓને તર્પણ કરી મિષ્ટભોજન બનાવી તેમાંથી ગાય, કુતરાને ભાગ કાઢી કાગવાશ નાખી સહપરિવાર ભોજન લેતા હોય છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ ગીતામાં કહ્યું છે કે પિતૃઓ આપણા અદશ્ય સહાયક છે. જે મનુષ્ય પોતાના પિતૃઓને સાચા હૃદયથી સ્મરણ કરી, પિતૃપૂજન કરશે તો તેમને પિતૃઓના આશિષ પ્રાપ્ત થશે. જે કુળમાં પિતૃઓની કૃપા દ્રષ્ટિ હોય તે કુળમાં સદા સુખ-શાંતિ વાસ કરે છે. પિતૃઓમાં શ્રદ્ધા રાખનારા દંપતિઓનું દાંપત્યજીવન પણ સુખમય બને છે અને કુટુંબ પરિવારમાંથી કજીયા-કંકાસ દૂર થાય છે.
શ્રાદ્ધ એ આપણા પિતૃઓ પ્રત્યેની આપણી શ્રદ્ધાની અભિવ્યકિત છે. જે માતા-પિતાએ આપણને જન્મ આપ્યો છે. આપણા ઉછેરમાં પોતાના સર્વ સુખ-સગવડનો જેમણે ત્યાગ કર્યો છે. એવા પિતૃઓના આપણા ઉપર ઘણા ઋણ છે. આપણી હિન્દુ ધર્મની પ્રાચીન પરંપરા મુજબ ભાદરવા માસના શુકલપક્ષ પછીના ૧૬ દિવસોને શ્રાદ્ધ પક્ષ તરીકે મનાવવામાં આવે છે. જેમાં પૂનમથી અમાસ સુધીના ૧૬ શ્રાદ્ધ આવે છે. આ ૧૬ દિવસોમાં લોકો અન્ય શુભ કાર્યોનો ત્યાગ કરી માત્ર પિતૃપુજન-અર્ચનમાં સવિશેષ ધ્યાન આપી પિતૃઓનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરે છે.