સર્વે મુજબ મોટાભાગના અકસ્માતો સર્કલ આસપાસના વિસ્તારોમાં થતા હોવાનું તારણ

અનલોક-૪ પછી ધીરે-ધીરે જનજીવન પાટા પર ચડી રહ્યું છે. લોકડાઉન દરમિયાન અકસ્માતના કેસોમાં ધરખમ ઘટાડો થઈ રહ્યો છે પરંતુ ધીમે-ધીમે જનજીવન પાટે ચડતા ફરી અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. અમદાવાદની વાત કરીએ તો એક સર્વે અનુસાર અમદાવાદમાં બુધવારના રોજ થતા અકસ્માતની સંખ્યા ખુબ જ વધારે છે. આ પૈકીના સૌથી વધુ અકસ્માતો સર્કલની આસપાસ થતા હોવાનું પણ તારણ સામે આવ્યું છે.

અમદાવાદમાં સતત ટ્રાફિકનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કડકાઈપૂર્વક થાય તે માટે પોલીસના સતત પ્રયાસો હાથ ધરવામાં આવે છે તેમ છતાં ભારે ટ્રાફિકના કારણે અમદાવાદમાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું રહે છે. દિલ્હી અને હૈદરાબાદની સંસ્થાઓએ એક અભ્યાસમાં જાહેર કર્યું છે કે, અમદાવાદમાં પણ મોટાભાગના રોડ અકસ્માતો સર્કલની આસપાસ વધુ થાય છે જેમાં શ્યામલ ચોકડી, સરદાર પટેલ નગર, સીજી રોડ, શાસ્ત્રીનગર એનઆઈડી વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં અકસ્માતના કુલ હિસ્સાના ૩૨ ટકા કેસો નોંધાયા છે.

આ ઉપરાંત બીજી એક ચોંકાવનારી બાબત એ પણ સર્વેમાં આવી છે કે, ૨૦૧૯ દરમિયાન મોટાભાગના અકસ્માત બુધવારના રોજ થયા હતા. અકસ્માતના કુલ ૧૬ ટકા અને બુધવારના થતા અકસ્માતનો દર ૧૮ ટકા હતો. ઉપરાંત જીવલેણ અકસ્માતોની સંખ્યા રાતના ૯ થી મધરાત સુધીમાં સૌથી વધુ જોવા મળી છે. આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં અંધશ્રદ્ધા કે માન્યતાઓને કોઈ સ્થાન નથી પરંતુ કયાંકને કયાંક જુની પરંપરાઓ અને રૂઢીઓનું મહત્વ સમજાય તો ઘટનાઓ પણ બને છે. અમદાવાદમાં થતા જીવલેણ રોડ અકસ્માતો બુધવારે સૌથી વધુ નોંધાયા છે. ત્યારે બુધવાર વિશે પણ ઘણી માન્યતાઓ છે. બુધવાર માટે કહેવત છે કે, બુધવારનો પ્રવાસ અપશુકનિયાત ગણાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.