જામનગરમાં હવે લગ્નસરાની સિઝન ધીમે ધીમે જામશે. ત્યારે જે યજમાન પરિવારના આંગણે લગ્ન યોજવાના છે તેમાં ખરીદીની ધોમ સિઝન ચાલી રહી છે. દિવાળી સહિતના તહેવારો બાદ લગ્નસરાની સીઝન માટે જામનગરની બજારમાં હાલ ગ્રાહકોની ચહલપાલ જોવા મળી રહી છે.

દિવાળીના તહેવારને લઈ મોટાભાગના દુકાનદારોએ પોતાના ધંધા વ્યવસાય લાભપાચમ સુધી બંધ રાખ્યા હતા. હવે આ મીની વેકેશનનો ગણાતો સમયગાળો સંપન્ન થતાં ફરી બજારમાં રોનક જોવા મળી રહે છે. આ વર્ષે લગ્ન પણ વધુ હોવાથી વેપારીઓને સારી કમાણી થાય તેવી આશા જોવા મળી રહી છે.

આમ પણ જામનગર બાંધણી માટે હબ ગણાતું હોવાથી જામનગર અને આજુબાજુના પંથકના લોકો બાંધણીની ખરીદી માટે તેમજ ઘરચોડા સહિતની વસ્તુની ખરીદી માટે જામનગરમાં આવી રહ્યા છે.

જામનગરના દરબારગઢ સુપરમાર્કેટ સાઈટનો વિસ્તારમા સાડી અને બાંધણીની અનેક દુકાનો આવેલી હોવાથી ગામડા માટે આવતા લોકો ખરીદી અર્થ આ વિસ્તારમાં જાય છે. જામનગરની બજારમાં ₹400 થી લઈ અંદાજે 80, 000 અને લાખ રૂપિયાની કિંમતની પણ બાંધણી મળે છે

બીજી બાજુ જામનગરમાં આવેલ મહાલક્ષ્મી ચોક જે ઇમિટેશનની સસ્તી વસ્તુઓ માટે પણ જાણીતો થયો છે. કારણ કે જામનગરના અન્ય વિસ્તારની સરખામણીએ મહાલક્ષ્મી ચોકમાં ઇમિટેશનની વસ્તુઓ ખૂબ ટકાઉ, વધુ વેરાઈટીઓ અને સસ્તી પણ મળતી હોય છે. અહીં ઇમિટેશનની લગભગ 25 થી 30 નાની-મોટી દુકાનો આવેલી છે. જેમાં હોલસેલ અને છૂટક ભાવે ઇમિટેશન વેચાણ થાય છે.

જામનગરમાં કપડાં માટે જેમ સુપર માર્કેટ, કરિયાણા માટે ગ્રેઇન માર્કેટ, વાસણ માટે અને લોખંડની વસ્તુઓ માટે જેમ સંઘાણીયા બજાર વખણાય છે. તેમજ જામનગરમાં આવેલ મહાલક્ષ્મી ચોક જે બંગડી સહિતની ઇમિટેશનની આઇટમો માટે વખણાય છે. પાંચ રૂપિયાથી લઈ 5,000 રૂપિયા સુધીની ઇમિટેશનની વસ્તુઓ મળે છે.

ખાસ દુલ્હન સેટ ભાડે લેવાનો પણ ક્રેઝ વધ્યો છે. દુલ્હન મોંઘા સેટ ને ભાડે લઈને ચલાવે છે. અહીં એકથી એક ચડિયાતી વેરાયટીના દુલ્હન સેટ પણ મળે છે. આ ઉપરાંત મહિલાઓ સાદી બંગડી લઈ જાય છે અને તેના પર પોતાના કપડાંના કલરને અનુરૂપ ભરતગુંથણ કરી અને બંગડી સજાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.