રાજકોટના ગ્રામ્ય વિસ્તાર બાદ શહેરમાં પણ લગ્ન-પ્રસંગ યોજવાને લીલીઝંડી
આપતા કલેકટર: જમણવાર અને સંગીત સંધ્યા ઉપર હજુ પણ પ્રતિબંધ
જિલ્લા કલેકટર દ્વારા ગ્રામ્ય વિસ્તાર બાદ શહેરી વિસ્તારમાં પણ લગ્ન પ્રસંગને મંજૂરી આપી દીધી છે. આ માટે ૨૦ લોકોને એકત્રીત થવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. લગ્ન યોજવા માટે જે તે પ્રાંત અધિકારી પાસેથી પૂર્વ મંજૂરી લેવાની રહેશે. આ લગ્નમાં આવનારા લોકોને પણ પાસ મેળવવાનો રહેશે તેવું કલેકટર તંત્રએ જાહેર કર્યું છે.
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન પ્રસંગ યોજવાને તાજેતરમાં મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ૫૦ લોકોને એકત્રીત થવાની છુટ પણ આપવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તાર બાદ હવે કલેકટર દ્વારા શહેરી વિસ્તારમાં પણ લગ્ન પ્રસંગ યોજવા પરની પાબંધી હટાવી દેવામાં આવી છે. ઉપરાંત લગ્ન પ્રસંગ માટે ખાસ શરતો પણ કલેકટર દ્વારા મુકવામાં આવી છે. જેમાં આ લગ્ન પ્રસંગમાં વધુમાં વધુ ૨૦ લોકોને પણ એકત્રીત કરવાની મર્યાદા રાખવામાં આવી છે.
લગ્ન દરમિયાન જમણવાર અને સંગીત સંધ્યા યોજવા ઉપર પણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. આ લગ્ન પ્રસંગ યોજવા માટે સંબંધી પ્રાંત અધિકારી પાસે મંજૂરી લેવી પડશે.
આ અંગે અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડ્યાએ જણાવ્યું કે, પ્રસંગમાં ૨૦ લોકોની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ પ્રસંગમાં હાજર રહેનાર સગા-સંબંધીએ વહીવટી તંત્ર પાસેથી પાસ મેળવવાના રહેશે. આ લગ્ન પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે અને સાદાઈથી માત્ર ધાર્મિક વિધિને અનુસરી લગ્ન કરવાના રહેશે.