અબતક, રાજકોટ
રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી નિરાધાર દિકરીઓના લગ્નોત્સવ યોજી પુણ્યનું ભાથુ બાંધતી સંસ્થા અને દાતાઓના સહયોગથી આ વર્ષે પણ 22 દિકરીઓનો (વ્હાલુડીના વિવાહ) લગ્નોત્સવનું દબદબાભેર આયોજન કરવામાં આવ્યું છે.
‘અબતક’ને આમંત્રિત કરવા આવેલ વ્હાલુડીના વિવાહ-4ની મહિલા ટીમના સભ્યોએ આ લગ્નોત્સવ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રૂક્ષ્મણીબેન દીપચંદભાઇ ગારડી વૃધ્ધાશ્રમ અને સ્વ.હિરાભાઇ જીવાભાઇ તળાવીયા, ગ.સ્વ. શાંતાબેન હિરાભાઇ તળાવીયાનાં સંયુક્ત ઉપક્રમે સતત ચોથા વર્ષે માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ અથવા પિતાની છત્રછાયા ગુમાવેલ નિરાધાર દીકરીઓનો ભવ્ય લગ્નોત્સવ આગામી તા.26 ડિસેમ્બર-21ના રોજ થવા જઇ રહ્યો છે.
ત્યારે ‘દીકરાનું ઘર’ વૃધ્ધાશ્રમની મહિલા ટીમના સભ્યો સંસ્થાના ટ્રસ્ટી નલિન તન્નાની આગેવાની હેઠળ ફાલ્ગુનીબેન કલ્યાણી, ગીતાબેન વોરા, કૌશીકાબેન કલ્યાણી, ગીતાબેન એ.પટેલ, આશાબેન હરીયાણી, અલ્કાબેન પારેખ, દીનાબેન મોદી, રૂપાબેન વોરા વગેરે જોડાયા હતાં.