છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર દિશા તરફથી ફૂંકાઇ રહેલા ઠંડા અને સૂકા પવનને કારણે રાજ્યમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ખાસ કરી ત્રણ દિવસોથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. દિવસે પણ પવનની ગતિ વિશેષ રહેવાની સાથે તાપમાન પણ 23 ડિગ્રીની આસપાસ રહેતા દિવસે પણ ઠંડક વર્તાઇ હતી અને ઠંડીથી બચવા લોકોએ દિવસે પણ શ્વેટરનો સહારો લેવો પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં વર્તમાન ઠંડીનું મોજુ યથાવત્ રહેશે.
ઉત્તર દિશા તરફથી ફૂંફાઈ રહેલા ઠંડા અને સૂકા પવનને કારણે રાજ્યમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું: નલિયા 9.5 જયારે રાજકોટનું 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું
આજે નલિયા 9.5 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ નોંધાયા હતા. સાથે સાથે સવારે ગાઢ ધૂમ્મસ છવાયું હતુ જેના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ફૂંકાઇ રહેલા ઠંડા પવનને કારણે રાજ્યમાં ઠંડી પણ વધી રહી છે. આજે પવન ફૂંકાતા વહેલી પરોઢે કાતિલ ઠંડી વર્તાઇ હતી. ઠંડીથી બચવા માટે લોકોએ ઘરમાં જ પુરાઇ રહેવાનું પસંદ કર્યું હતું. જેના કારણે મોડી રાત્રી સુધી ભરચક રહેતા રસ્તા સુના બન્યા હતા. ઉપરાંત ઠંડીથી બચવા લોકોએ તાપણાનો સહારો પણ લેવો પડ્યો હતો.
રાજ્યના આ વિસ્તારોમાં માવઠાંની વકી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં પાંચ દિવસના હવામાન અંગે વાત કરીએ તો પહેલા દિવસે વાતાવરણ ડ્રાય રહેશે. જે બાદના બીજા દિવસે વાદળછાયું વાતાવરણ થશે અને ત્રીજા અને ચોથા દિવસે હળવા વરસાદની આગાહી છે. બે દિવસે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ થવાનો છે. આઠમી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દણણ, દાદરા નગર હવેલી તથા આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી ગીર સોમનાથ અને રાજકોટમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જ્યારે નવમી તારીખે અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, આણંદ અને દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો અમરેલી અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે.