- છેલ્લા 24 કલાકમાં રાજ્યના 206 તાલુકામાં મેઘ મહેર: સુરતના ઉંમરપાડામાં 11 ઇંચ તો જૂનાગઢના વિસાવદરમાં 9 ઇંચ વરસાદ: દ્વારકામાં પણ વધુ 7ાા ઇંચ વરસાદથી જળ બંબાકાર
- સવારથી 120 તાલુકામાં નોંધપાત્ર વરસાદ: જામનગરના જોડિયામાં અને અમરેલીના બગસરામાં બે ઇંચ વરસાદ: સૌરાષ્ટ્રભરમાં મેઘાવી માહોલ
રાજ્યમાં આજે આકાશી આફતના એંધાણ સાથે 21 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 206 તાલુકામાં મેઘ મહેર થઇ છે. જેમાં સૌથી વધુ સુરતના ઉંમરપાડામાં 11 ઇંચ તો જૂનાગઢના વિસાવદરમાં 9 ઇંચ વરસાદ તેમજ દ્વારકામાં પણ વધુ 7 ઇંચ વરસાદથી જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આજે સવારથી 120 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરના જોડિયા અને અમરેલીના બગસરામાં બે-બે ઇંચ વરસાદ ખાબક્યો છે. આજે કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે. કચ્છ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં રેડ, તો ચાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ અને ચાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદનું આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો કચ્છ, જામનગર, રાજકોટ અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું અનુમાન છે. તો મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલની સ્થિતિને જાતો રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલા જિલ્લામાં બારમેઘ ખાંગાની સ્થિતિ છે તો દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે પરંતુ આ સિવાયના ગુજરાતના વિસ્તારમાં ગરમી અને ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે. ઉત્તર, મધ્ય ગુજરાતમાં ખેડૂતો સહિત લોકો કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં હજુ પણ 26 જુલાઇ સુધી વરસાદ વરસે તેવું અનુમાન છે.અમદાવાદ શહેરની અને આસપાસના જિલ્લાના વાત કરીએ તો અહીં નહિવત વરસાદ વરસ્યો છે.અત્યાર સુધીમાં વરસેલા સરેરાશ વરસાદમાં અમદાવાદ શહેરનો રાજ્યના તાલુકાઓમાં 125મો ક્રમ છે. 36 તાલુકામાં અમદાવાદની સરખામણીએ બે ગણો, તો 23 તાલુકામાં ચાર ગણો વરસાદ વરસ્યો છે. ગયા વર્ષે જુલાઈ સુધીમાં વરસેલા 24 ઈંચ વરસાદની તુલનાએ આ વર્ષે અમદાવાદમાં જુલાઈ સુધીમાં માત્ર 10.32 ઈંચ વરસાદ જ વરસ્યો છે. વર્ષ 2023ની સરખામણીએ આ વર્ષે અમદાવાદમાં વરસ્યો 57 ટકા ઓછો વરસાદ વરસ્યો છે.
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું હવામાન વિભાગે જાહેર કર્યુ રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો પ્રવાસન સ્થળ દીવમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે.રાજ્યના જળાશયોની વાત કરીએ તો સારા વરસાદને પગલે રાજ્યના 60 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને 34 જળાશયો વોર્નિંગ પર છે. તો 13 જળાશયો હાઈએલર્ટ પર છે. રાજ્યના કુલ 207 જળાશયો પૈકી 31 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. સૌરાષ્ટ્રના 28 જ્યારે કચ્છના ત્રણ જળાશયો ઓવરફ્લો થયા છે. સરદાર સરોવર ડેમમાં હાલ 54.99 ટકા જળસંગ્રહ છે. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 44.29 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 66.13 અને કચ્છમાં વરસ્યો 58.40 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 50.16 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં 24.90 અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો વરસ્યો 24.02 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
ભારે વરસાદની વચ્ચે કચ્છની જનતાએ માનવતાનો ધોધ વહાવ્યો છે. ધોધમાર વરસાદથી બંધ રસ્તાથી અટવાયેલા વાહન ચાલકો માટે સ્થાનિકોએ ભોજન-પાણીની વ્યવસ્થા કરી હતી. ભારે વરસાદને પગલે સતત બીજા દિવસે વલસાડ જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ રજા જાહેર કરાઈ છે. સ્થાનિક પ્રશાસને જિલ્લાની તમામ આંગણવાડી, આઈટીઆઈ, સ્કૂલોમાં રજા જાહેર કરી છે.
- દ્વારકામાં જળ બંબાકારની સ્થિતિ 9 ડેમ ઓવરફ્લો: 11 રસ્તાઓ બંધ
છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે અને આ કારણે સ્થિતિ વિકટ બની છે. સમગ્ર જિલ્લામાં અને કલ્યાણપુર તાલુકામાં 45 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. દ્વારકા જિલ્લાના 15 ડેમો પૈકી 9 ડેમો ઓવરફ્લો થયા છે. અનેક રોડ-રસ્તાં પણ બંધ થયા છે.
રાજ્યમાં ચોમાસુ બરાબર જામ્યુ છે, ઠેર ઠેર વરસાદી માહોલ છે, અને સૌથી વધુ વરસાદ અત્યારે સૌરાષ્ટ્ર અને દેવભૂમિ દ્વારકામાં ખાબકી રહ્યો છે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે અને મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે, તાજા આંકડા પ્રમાણે, દ્વારકાના 15 પૈકીના 9 ડેમ ઓવરફ્લો થઇ ગયા છે, ખંભાળિયાનો ઘી ડેમ 90 ટકા ભરાયો છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. છેલ્લા 24 કલાકમાં પાણીમાં ફસાયેલા 19 લોકોનૂં આ વિકટ પરિસ્થિતિમાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે, વરસાદી માહોલના કારણે અત્યારે દ્વારકા- સોમનાથ હાઈવે સહિત 11 રોડ-રસ્તા બંધ સ્થિતિમાં છે.
- રાજ્યમાં સિઝનનો 48.62% વરસાદ વરસી ગયો
- સૌરાષ્ટ્રમાં 71.43% અને કચ્છમાં 75.29% વરસાદ વરસ્યો
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન વિભાગ તરફથી મળતા આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 48.62 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ 16 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 9 તાલુકાઓમાં 40 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે તેમજ 36 તાલુકાઓમાં 20 થી 40 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે તો 73 તાલુકામાં 10 થી 20 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. રાજ્યના 92 તાલુકાઓમાં 5 થી 10 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે તો હજુ 41 તાલુકાઓ એવા છે કે જ્યાં પાંચ ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે. કચ્છમાં સિઝનનો સૌથી વધુ 75.29 ટકા વરસાદ વરસી ગયો છે ત્યારબાદ સૌરાષ્ટ્રમાં સિઝનનો 71.43 ટકા વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં 57.17 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે સિઝનનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 25.02 ટકા તો મધ્ય ગુજરાતમાં 25.80 ટકા વરસાદ વરસ્યો છે.
- મુખ્યમંત્રીએ દ્વારકા જીલ્લાનું હવાઈ નિરીક્ષણ કર્યું
- સ્થળાંતરિત કરાયેલા લોકોને ભોજન સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા માર્ગદર્શન આપ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ દ્વારકા અને જામનગર જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટી તંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે ઝીરો કેઝ્યુઆલીટીના અભિગમ સાથે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું હતું.
દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના સંદર્ભે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થતા મુખ્યમંત્રીશ્રીએ દેવભૂમિ દ્વારકાની દરિયાઈ પટ્ટી અને અસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવ્યો હતો.
મુખ્યમંત્રીએ દ્વારકા જિલ્લાના કુરંગા ખાતે જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથેની બેઠકમાં જિલ્લાની વરસાદની સ્થિતિ અને પ્રશાસન દ્વારા લેવાયેલા રાહત બચાવના પગલાનો ચિતાર મેળવીને સ્થળાંતરિત કરાયેલા લોકોને તમામ પ્રાથમિક સુવિધા મળી રહે તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે, કુદરતી આફતોમાં બચાવ અને રાહત સહિતની કામગીરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાન માલને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે પ્રશાસન સુસજ્જ છે. દ્વારકા, કલ્યાણપુર સહિતના જે વિસ્તારોમાં અસાધારણ વરસાદ પડ્યો છે તે વિસ્તારોમાં લેવાયેલા પગલાઓ અને હજુ આગામી
દિવસોમાં માલ મિલકતને વધુ નુકશાન ન થાય તે માટે તંત્રની સુસજ્જતા અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવીને રાજ્ય સરકાર અસરગ્રસ્તોની સાથે છે તેવો અહેસાસ પૂરો પાડવા સૂચનો કર્યા હતા. આ વિસ્તારોમાં પાણી ઓસરતાં જ જરૂરી સર્વે કરવા અંગે પણ તેમણે સંબંધિત વિભાગોને માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટર જી.ટી.પંડ્યાએ સમગ્ર સ્થિતિની માહિતી આપતા જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 30 વર્ષનો સરેરાશ વરસાદ 769 મીમી છે તેની સામે છેલ્લા પાંચ છ દિવસમાં 980 મીમી સરેરાશ વરસાદ એટલે કે 31 ઇંચની સરેરાશ સામે 50 ઇંચ વરસાદ વરસ્યો છે.
સતત વરસાદની સ્થિતિમાં આગોતરા આયોજન અને ત્વરિત પગલાંને કારણે પાણીમાં ફસાયેલા 23 જેટલા લોકોને સલામત રીતે બહાર લાવવામાં આવ્યા છે. અસરગ્રસ્તોના શેલ્ટર હાઉસમાં ભોજન અને આરોગ્ય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મુખ્યમંત્રીએ જિલ્લામાં માર્ગ અને પરિવહન સેવા જ્યાં પ્રભાવિત થઈ છે ત્યાં અગ્રતાના ધોરણે મરામત કામગીરી કરવા જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપી હતી.
મુખ્યમંત્રીની બેઠકમાં મુખ્ય સચિવશ્રી રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.ધાનાણી, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તેમજ પદાધિકારીઓ, ધારાસભ્ય પબુભા માણેક, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી સહિત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
દ્વારકામાં માત્ર પાંચ દિવસમાં 50 ઇંચ વરસાદ તૂટી પડ્યો
સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી અવિરત મેઘ વર્ષા થઇ રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પૂરનું સંકટ ગંભીર બન્યું છે. દેવભૂમિ દ્વારકામાં માત્ર પાંચ દિવસ 980 મીમી એટલે કે 50 ઇંચ વરસાદ તૂટી પડ્યો છે. મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરિક્ષણ કરીને રાહત અને બચાવ કામગીરીની સમિક્ષા કરી હતી. હજુ પણ સંખ્યાબંધ ગામો સંપર્ક વિહોણા છે.