હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. શિયાળા વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજથી વાતાવરણ સૂકું રહેશે. ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ રહેશે. આજે અને કાલે સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. પૂર્વ દિશાના પવન અને ભેજ રહેતા વરસાદી માહોલ રહેશે. 3 દિવસ બાદ તાપમાન ઘટતા ઠંડી વધશે.
ગીર સોમનથ, વેરાવળ અને જામનગરમાં વરસાદની શક્યતા: 28મી વાતાવરણ ચોખ્ખું થશે અને ઠંડી વધશે
ખેડૂતોના માથે સંકટના વાદળો ઘેરાયા છે ત્યારે માર્કેટ યાર્ડના સંચાલકોએ વેપારીઓ અને ખેડૂતોને સૂચના આપી છે. રાજ્યભરના માર્કેટયાર્ડના સત્તાધીશીઓએ સૂચના આપી છે ખેડૂતો અને વેપારીઓ પોતાની ખેત પેદાશોને સુરક્ષિત રીતે ઢાંકી દે.રાજકોટ માર્કેટિંગ યાર્ડે પણ માવઠાની આગાહીને જોતા ખાસ તૈયારી કરી છે. મરચા અને મગફળીની આવક 3 દિવસ સુધી બંધ રાખવામાં આવી છે.
કપાસ સહિતના અન્ય પાકો માટે શેડની પૂરતી વ્યવસ્થા કરાઈ છે. બીજી બાજુ રાજ્યમાં રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ભારે પવન સાથે રાજ્યભરમાં ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી પાંચ દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે.
સુરત જિલ્લાના અનેક ગામોમાં માવઠું
હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારે દક્ષિણ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં અમી છાંટણા અને ઝરમર વરસાદ વરસ્યો હતો. તો અંકલેશ્વર જિલ્લાના અનેક ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને પગલે ભર શિયાળે જાણે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર વિઝીબીલીટી પણ ઓછી થઈ ગઈ હતી.
માવઠાની આગાહી વચ્ચે રાજકોટ-મોરબી સહિતના યાર્ડ ત્રણ દિવસ બંધ
આજથી 27 નવેમ્બર સુધી ત્રણ દિવસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને રાજકોટના માર્કેટિંગ યાર્ડનું તંત્ર સતર્ક બન્યું છે. આજથી ત્રણ દિવસ મરચાં-મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે જૂના માર્કેટિંગ યાર્ડમાં શનિ-રવિ ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે. તો કપાસ રાખવા માટે પૂરતી વ્યવસ્થા હોવાથી એની આવક ચાલુ રાખવામાં આવી છે તેમજ સાવચેતીના ભાગરૂપે ખેડૂતોને તાડપત્રી રાખવા અપીલ કરવામાં આવી છે. જોકે આ દિવસો દરમિયાન વાતાવરણ સારું રહેશે તો આવક શરૂ કરી દેવામાં આવશે.