ફટાકડાને લીધે થતી આંખની ઈજા અને કાળજી વિશે માહિતી આપતા શ્રદ્ધા હોસ્પિટલનાં સર્જન
દિવાળી એટલે હર્ષઉલ્લાસનો તહેવાર તે માટે જ દિવાળીમાં દિવા પ્રગટાવવામાં આવે છે તથા ફટાકડા ફોડવામાં આવે છે. ફટાકડા ફોડતા મન ભરીને મજા માણતાની સાથે આંખની સાવચેતી રાખવી પણ એટલી જ આવશ્યક છે. ફટાકડા ફોડયા વગર તો દિવાળી ઉજવાય જ કેમ ? પણ ફટાકડાથી થતી ઈજા વિશે સાવચેતી રાખવી જરૂરી છે. ફટાકડાથી થતી ઈજા સામાન્ય રીતે બાળકો તથા યુવાનોમાં જોવા મળે છે. જરૂરી નથી કે ફટાકડા ફોડનાર જ ઈજા પામે, રોકેટ બોમ્બ, ફુવારા જેવા ફટાકડા ફુટીને તેમના તણખા દુર સુધી ઝરે છે જેના કારણે દુર ઉભેલી વ્યકિતને પણ શરીર કે આંખમાં ઈજા થઈ શકે છે.
મોટાભાગે ફટાકડાથી થતી ઈજા અનિયમિત ફટાકડા ફુટવાના કારણે થતી હોય છે. નબળી ગુણવતાવાળા ફટાકડા, ફુવારા, બોમ્બ, ઉંદરડી જેવા ફટાકડા ઈજા પહોંચાડી શકે છે. ફટાકડાના કારણે આંખમાં લોહી આવવું, કિકી ઉપર ઘસારો, સોજો આવવો, આંખમાં કણા પડવા, પાપણની ચામડી દાઝી જવી, ઝાંખુ દેખાવુ, પાણી નીકળવા વગેરે પ્રકારની ઈજાઓ થઈ શકે છે. ઈજાઓ ન થાય તે માટે શ્રદ્ધા આંખની હોસ્પિટલ તથા લેસર સેન્ટરના ડો.પિયુષ ઉનડકટ દ્વારા આંખની સાવચેતી માટેના અગત્યની સુચના આપી છે.
ફટાકડા ફોડનાર તથા જોનારને યોગ્ય ગોગલ્સ પહેરવા, ફટાકડા ફોડવા માટે લાંબી અગરબતી, તણખાદાર મોટી ફુલજરી કે લાંબી લાકડાની દીવાસળીનો ઉપયોગ કરવો કારણકે તેનાથી તમારું અને સડકતા ફટાકડા વચ્ચેનું અંતર જળવાય રહેશે. બાળકો ફટાકડા ફોડતા હોય ત્યારે વડીલોને બાળકો પર નિરીક્ષણ રાખવું, ફુલઝર જેવા ફટાકડા બાળકોના હાથમાં સાવચેતીથી આપવા ૫ વર્ષથી નીચેના બાળકોને ફટાકડા આપવા નહીં તેમાંથી તિખારા ઝરે છે જે આંખોને નુકસાન કરી શકે છે. ચહેરાને ફટાકડાથી દુર રાખીને ફટાકડા ફોડવા તેમજ ફટાકડાના કારણે આંખોને ઈજા થાય તો સાદા માટલાના પાણીથી આંખોને સાફ કરવી તરત જ આંખોનાં ડોકટરનો સંપર્ક કરવો અને સલાહ લેવી હિતાવહ છે.