જામનગરની જિલ્લા જેલમાં ગઈકાલે એક સંત્રીની ચકોર નજરે શંકાસ્પદ હિલચાલ કરતો કાચા કામનો કેદી ચડી જતાં તેની તલાશી લેવાઈ હતી જેમાં સિગારેટના પેકેટ, તમાકુની પડીકીઓ સોપારી સહિતની પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવતા ચકચાર જાગી છે. જેલરે કરેલી પ્રાથમિક પૂછપરછમાં આ કેદીને ત્રણ શખ્સો ઉપરોકત સામાન આપી ગયાનું ખૂલ્યું છે. ચારેય સામે ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગરની જિલ્લા જેલ અવારનવાર ચર્ચાના ચાકડે ચડતી રહી છે. જેલમાંથી પ્રતિબંધિત મોબાઈલ, તમાકુ, બીડી સહિતની ચીજવસ્તુઓ મળતી રહેવા પામી છે. આ વસ્તુઓ જેલમાં કેવી રીતે પહોંચી જાય છે તે પ્રશ્ન લોકોમાં સતત ચર્ચાતો રહ્યો છે ત્યારે ગઈકાલે બપોરે જિલ્લા જેલના સ્ટાફે આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું.
ગઈકાલે જિલ્લા જેલમાં ફરજ બજાવતા પો.કો. રાજેશ ખેતાભાઈ સોનગરા ફરજ પર હાજર હતા ત્યારે તેઓએ જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા કરણ રાજુભાઈ બારિયા નામના શખ્સની કેટલીક હરકતોથી શંકા ઉપજતા તેની તલાશી લીધી હતી જેમાં કરણના પગમાં પહેરેલા મોજામાંથી મિરાજ તમાકુની પંદર પડીકી, ચૂનાના પાર્સલનું એક પેકેટ, અઢીસો ગ્રામ સોપારી, સિગારેટના ત્રણ પેકેટ, બાગબાન તમાકુનું એક પેકેટ અને ગુટખાનું એક પેકેટ મળી આવ્યું હતું.
આ શખ્સના કબજામાંથી ઉપરોકત પ્રતિબંધિત વસ્તુઓનો જથ્થો મળી આવતા રાજેશભાઈએ જેલર સહિતના અધિકારીઓને તેની જાણ કરી હતી અને કુલ અંદાજે રૃા.૭૧૫ની કિંમતની ઉપરોક્ત પ્રતિબંધિત વસ્તુઓ કબજે કરી હતી. આરોપી કરણ બારિયાની પૂછપરછ કરવામાં આવતા તેને આ ચીજવસ્તુ ચીનો, દિલીપ તથા ટેણી નામના ત્રણ શખ્સો આપી ગયાનું બહાર આવ્યું છે. રાજેશ સોનગરાએ ખુદ ફરિયાદી બની કરણ તથા તેના ત્રણ સાગરિતો સામે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પ્રિઝન એક્ટની કલમ ૪૨, ૪૩ તેમજ આઈપીસી ૧૮૮, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી તપાસ આરંભી છે.