31 ડિસેમ્બર સુધીના જુના તમામ બીલો માફ કરાશે, 24 કલાક વીજળી મળશે : આપના સુપ્રીમોએ સુરતમાં વરસાવ્યો જાહેરાતોનો ધોધ
આમ આદમી પાર્ટીના ક્ધવીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સુરતમાં મોટી જાહેરાત કરી છે. તેઓએ ગુજરાતમાં જો આપને જીત મળશે તો મફત વીજળી આપવાનું એલાન કર્યું છે.
અરવિંદ કેજરીવાલે સુરત ખાતે એક પત્રકાર પરિષદ કરી જેમાં કહ્યું કે ગુજરાતની જનતા બદલાવ ઈચ્છે છે. છેલ્લા 27 વર્ષથી એક જ પાર્ટીએ રાજ કર્યું છે. એટલે અહંકાર આવી જાય છે. બધાને ડરાવી રાખ્યા છે. તેમણે ક્હ્યું કે મોંઘવારી વધી રહી છે. વીજળીના ભાવ પણ વધી રહ્યા છે. પંજાબમાં અમે વીજળી ફ્રી કરી. ગુજરાતમાં પણ વીજળી ફ્રી કરાશે. અમને રાજનીતિ કરતા આવડતું નથી. અમારી પાર્ટી ઈમાનદારોની પાર્ટી છે.
કેજરીવાલે જાહેરાત કરી હતી કે ગુજરાતમાં સરકાર બનતા જ 3 મહિનામાં દરેક પરિવારને દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. આ ઉપરાંત તમામ ગામો અને શહેરોમાં 24 કલાક વીજળી ઉપલબ્ધ રહેશે. તે જ સમયે, 31 ડિસેમ્બર 2021 સુધીના તમામ જૂના બાકી બિલ પણ માફ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતો માટે વીજળીનું અમે અલગથી વિચારી રહ્યા છે. આ ખૂબ મોટો મુદ્દો છે, એને લઈને આગામી દિવસોમાં ફરીથી હું ગુજરાતમાં આવીશ અને આ મુદ્દે વાત કરીશ. દિલ્હીમાં ભાજપ સરકારના લોકોને મફતમાં વીજળી નહીં જોઈતી હોય એવો લેખિતમાં આપી દે, એટલે ત્યાંથી તેમને વીજળી આપવામાં આવશે નહીં. ખોટો વિરોધ કરીને તેઓ અમારો વિરોધ કરી રહ્યા છે.
તેમણે આગળ જણાવ્યું હતું કે ગુજરાતમાં જે દારૂબંધી છે એને યથાવત્ રાખવામાં આવશે, પરંતુ મજાની વાત એ છે કે એને યોગ્ય રીતે પાલન કરાવવામાં આવશે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. આ લોકોએ બૂમાબૂમ કરીને કહ્યું કે ગુજરાતમાં દારૂ વેચાય છે. દારૂબંધી હોવા છતાં પણ ગેરકાયદે રીતે વેચાઈ રહ્યો છે, એના પૈસા કોની પાસે જાય છે?
જનતાને મફતની રેવડી આપીએ તે પ્રસાદ, મિત્રોને આપીએ તે પાપ : કેજરીવાલ
તે જ સમયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મફત સુવિધાઓને ’રેવડી સંસ્કૃતિ’ તરીકે વર્ણવવા પર, કેજરીવાલે કહ્યું કે જનતાને મફત રેવડી આપવાથી શ્રીલંકા જેવી સ્થિતિ નહીં આવે. શ્રીલંકા તેના મિત્રોને ફ્રી રેવડી આપતો હતો. જો તેણે જનતાને આપ્યું હોત તો જનતાએ તેના ઘરમાં ઘૂસીને તેને ભગાડ્યો ન હોત. જાહેર જનતાને મફત રેવડી આપવી એ ભગવાનનો પ્રસાદ છે અને મિત્રોને મફત રેવડી આપવી એ પાપ છે. કેજરીવાલે કહ્યું કે ગુજરાત આ વખતે ભવિષ્ય તરફ જોઈ રહ્યું છે.