અયોધ્યામાં આગામી તા.22 જાન્યુઆરીના રોજ રામલલ્લાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. જેને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. પણ વૈદિક પરંપરા ચુકાઈ ગઈ હોય, રામમંદિરનો કાર્યક્રમ અધુરો જણાવીને શંકરાચાર્યોએ કાર્યક્રમમાં હાજરી ન આપવાનું જણાવ્યું છે.
ચાર શંકરાચાર્યોએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર ’પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહથી દૂર રહેવાનું નક્કી કર્યું હોવાના અહેવાલો વચ્ચે, તેમાંથી બે શંકરાચાર્યોએ હવે આ કાર્યક્રમને સમર્થન જાહેર કર્યું છે.
વૈદિક પરંપરા પ્રમાણે મંદિર પરિપૂર્ણ નહિ થયું હોવાનું જણાવી બે શંકરાચાર્યોએ નારાજગી વર્ણવી, અન્ય બે શંકરાચાર્યોએ રામમંદિર નિર્માણ માટે આનંદની લાગણી વ્યક્ત કરી પણ હાજરી આપવા સહમતી ન દર્શાવી
વિશ્વ હિન્દુ પરિષદનાના કાર્યકારી પ્રમુખ આલોક કુમારે ગુરુવારે જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠાને આવકારતા દ્વારકા અને શૃંગેરી શંકરાચાર્યના નિવેદનો પહેલાથી જ જાહેર છે. તેમણે કહ્યું કે પુરી શંકરાચાર્ય પણ આ કાર્યની તરફેણમાં છે. તેમણે કહ્યું છે કે તેઓ યોગ્ય સમયે રામલલાના દર્શન માટે આવશે. “ફક્ત જ્યોતિર્પીઠ શંકરાચાર્યએ સમારોહની વિરુદ્ધ ટિપ્પણી કરી છે, પરંતુ બાકીના ત્રણ શંકરાચાર્યોએ સ્પષ્ટ કર્યું છે કે તેમને આભારી નિવેદનો ગેરમાર્ગે દોરનારા હતા કારણ કે તેઓ સમારંભના સંપૂર્ણ સમર્થનમાં છે,
શૃંગેરી પીઠના શંકરાચાર્ય સ્વામી ભારતી તીર્થ અને દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે સનાતન ધર્મના અનુયાયીઓ માટે આ ખુશીની વાત છે. દ્વારકા પીઠ દ્વારા જારી કરાયેલા એક લેખિત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મીડિયાના એક વિભાગમાં પ્રકાશિત થયેલા નિવેદનો શંકરાચાર્યની પરવાનગી વિના હતા. એ જ રીતે, શૃંગેરી પીઠના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક સોશિયલ મીડિયા આઉટલેટ્સે એવી પોસ્ટ્સ શેર કરી છે જે એવી છાપ આપે છે કે શંકરાચાર્ય ’પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહની વિરુદ્ધ છે. શ્રૃંગેરી શંકરાચાર્યએ આવો કોઈ સંદેશ આપ્યો નથી. આ ધર્મના દુશ્મનોનો પ્રચાર છે, નિવેદનમાં કહેવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, શ્રૃંગેરી શંકરાચાર્ય બધા આસ્થાવાનોને આ પવિત્ર પ્રસંગમાં ભાગ લેવા માટે આશીર્વાદ આપે છે.
અગાઉ એક વીડિયો સંદેશમાં જ્યોતિર્પીઠ, જોશીમઠના શંકરાચાર્ય, અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે ચારમાંથી કોઈ પણ શંકરાચાર્ય અયોધ્યામાં સમારોહમાં હાજરી આપશે નહીં કારણ કે તે મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થયા પહેલા કરવામાં આવી રહ્યું છે.
અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, ધાર્મિક ગ્રંથોનું યોગ્ય રીતે પાલન થાય તેની ખાતરી કરવી એ શંકરાચાર્યની ફરજ છે. તેમણે કહ્યું, મોદી મંદિરનું ઉદ્ઘાટન કરશે, તેઓ મૂર્તિને સ્પર્શ કરશે, તો અમારે શું કરવાનું ? ઉભા થઈને તાળી પાડવાની ?
4 જાન્યુઆરીએ પુરીના શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે તેઓ “પોતાના પદની ગરિમા પ્રત્યે સભાન” હોવાથી તેઓ અભિષેક સમારોહમાં હાજરી આપશે નહીં. ઉલ્લેખનીય છે કે અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ 2019ની લોકસભા ચૂંટણીમાં વારાણસીમાં પીએમ મોદી વિરુદ્ધ રામ રાજ્ય પરિષદના ઉમેદવારને સમર્થન આપ્યું હતું. તેમની ઉમેદવારી નામંજૂર થતાં તેઓ હડતાળ પર પણ પણ બેઠા હતા.
મંદિર ‘પરિપૂર્ણ’ થયે જ કોંગ્રેસીઓ પ્રવેશ કરશે: શક્તિસિંહ
કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સનાતન ધર્મમાં આપણા શાસ્ત્રો મુજબ સર્વોત્તમ નિર્ણય શંકરાચાર્ય મહારાજનો હોય છે. શંકરાચાર્ય એમ કહે કે, જે મંદિરનું કામ પૂર્ણ નથી થયું ત્યાં પ્રાણપ્રતિષ્ઠા ન થઈ શકે, હું પોતે હિંદુ છું અને જ્યારે શંકરાચાર્ય જ આવો આદેશ કરતા હોય છતાં ભાજપ અત્યારે મહોત્સવ કરી રહી છે પણ ભાજપ ચૂંટણીને લઈને ઈવેન્ટ કરી રહી છે. કામના નામે મત મળી શકે તેમ નથી એટલે રામના નામે મત લેવા માગે છે નહિતર રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે રામનવમીથી શ્રેષ્ઠ દિવસ હોઇ ન શકે. ભગવાન રામમાં પૂરી શ્રદ્ધા કોંગ્રેસ પક્ષ અને પૂરા ભારતમાં છે. વગર આમંત્રણે રોજ બધા ભગવાનના ઘરે જાય જ છે. શંકરાચાર્ય જ્યારે એમ કહે કે હવે મંદિરનું કાર્ય પૂરૂ થયુ છે ત્યારે અમને કોઇ આમંત્રણની જરૂર નથી ભગવાનના દર્શન
કરવા માટે એક એક કોંગ્રેસી જરૂર જશે પણ ઈવેન્ટમાં ન જવાય. કોંગ્રેસના જ અન્ય આગેવાનોએ રામમંદિર જવાના છે તે મામલે પૂછવામાં આવતા શક્તિસિંહે કહ્યું હતું કે અમારે ત્યાં પૂરી લોકશાહી છે એટલે જ લોકો પોતાનો મત મૂકી શકે ભાજપની જેમ આકા કહે તો શ્વાસ બંધ તેવું નથી.