અગાઉ સરકારના વલણ ઉપર આંગળી ચીંધાયા બાદ હવે સરકાર આકરાપાણીએ, આરોપીઓને જામીન ઉપર છોડવા સામે પણ નોંધાવ્યો વિરોધ
ગુજરાત સરકારે આજે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે ગોધરા કાંડના 11 દોષિતોને ફાંસીની સજા અપાવવાના તમામ પૂરતા પ્રયાસો કરશે. જો કે અગાઉ ટ્રાયલ કોર્ટે ગોધરાકાંડના દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટે ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટ ગોધરા કાંડના અનેક આરોપીઓની જામીન અરજી પર સુનાવણી કરી રહી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની ખંડપીઠે આરોપીના જામીન પર સુનાવણી માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે. કોર્ટે બંને પક્ષોના વકીલોને આ સમયગાળા દરમિયાન આરોપીઓએ જેલમાં વિતાવેલો સમય અને તેમને થયેલી સજાની માહિતી આપતો ચાર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ગુજરાત સરકાર વતી કોર્ટમાં હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ખંડપીઠને કહ્યું કે અમે દોષિતોને ફાંસી પર લટકાવવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કરીશું. આ રેરેસ્ટ ઓફ રેર કેસમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ટ્રેનની બોગીને બહારથી લોક કરી આગ લગાડવામાં આવી હતી. જેના કારણે 59 લોકોના મોત થયા છે.
ગોધરા કાંડમાં ટ્રાયલ કોર્ટે 11 દોષિતોને ફાંસીની સજા અને 20 અન્યને આજીવન કેદની સજા ફટકારી હતી. ટ્રાયલ કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જ્યાંથી હાઈકોર્ટે 11 આરોપીઓની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. ગુજરાત સરકારે ગુનેગારોને ફાંસીની સજા આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે ગોધરા કાંડના બે દોષિતોને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. હજુ સાત વધુ જામીન અરજીઓ પેન્ડીંગ છે.
અબ્દુલ રહેમાન ધંતિયા અને અબ્દુલ સત્તાર, ઈબ્રાહિમ ગદ્દીની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. જેનો રાજ્ય સરકાર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોલિસિટર જનરલે કહ્યું કે આરોપીની ભૂમિકા માત્ર પથ્થરબાજી પૂરતી સીમિત નથી. આરોપીઓએ બોગીને બહારથી તાળું મારીને આગ લગાવી દીધી, તો પછી પથ્થરમારો કેવી રીતે થઈ શકે! સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ગોધરા કાંડના દોષિત ફારુકને આજીવન કેદની સજા ફટકાર્યાના 17 વર્ષ બાદ જામીન આપ્યા હતા.