ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ ઉપર પ્રતિબંધ મુકવાનું જાહેર કર્યા બાદ વિવાદ સર્જાતા કોંગ્રેસે ફેરવી તોડ્યું, કહ્યું બજરંગ દળ ઉપર પાબંધી મુકવાની કોઈ વાત જ નથી, અમે હનુમાનજીના નામ ઉપર વિશેષ યોજનાઓ પણ શરૂ કરીશું
કર્ણાટકમાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર થતાં જ વિવાદ શરૂ થયો હતો. બજરંગ દળ સંગઠન પર પ્રતિબંધ મૂકવાના વચનને લઈને કર્ણાટકમાં હંગામો શરૂ થયો છે. તમામ વિવાદો વચ્ચે કોંગ્રેસે યુ-ટર્ન લીધો છે. કોંગ્રેસે કહ્યું કે તે બજરંગ દળ પર કોઈ પ્રતિબંધ પર વિચાર કરી રહી નથી. તેમણે ભાજપ પર લાગણી ભડકાવવાનો આરોપ લગાવ્યો. શિવકુમારે કહ્યું કે કોંગ્રેસ બજરંગ દળ પર પ્રતિબંધ નથી લગાવી રહી પરંતુ કોંગ્રેસ કર્ણાટકમાં હનુમાન મંદિરોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે જો કર્ણાટકમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો તેઓ રાજ્યમાં હનુમાન મંદિરોનો જીર્ણોદ્ધાર કરશે.
શિવકુમારે કહ્યું, ‘અમે ભગવાન હનુમાનના નામ પર વિશેષ યોજનાઓ શરૂ કરીશું. દરેક તાલુકામાં યુવાનોને મદદ કરવા માટે અમે તેમના નામનો કાર્યક્રમ શરૂ કરીશું. ડીકે શિવકુમારે મૈસુરમાં ચામુંડેશ્વરી મંદિરની મુલાકાત લીધા બાદ ભાજપ પર નિશાન સાધ્યું અને સવાલ કર્યો કે, ‘મૈસૂર અને બેંગલુરુ વચ્ચે 25 મંદિરો છે. શું ભાજપના નેતાઓએ ક્યારેય તેમની કાળજી લીધી હતી?
બીજી તરફ ભાજપે સતત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. શિવકુમારના મતે કોંગ્રેસ હંમેશા હનુમાનની ભક્ત રહી છે. પરંતુ અમે સંગઠન બનાવીને ભગવાનના નામે કોઈને કાયદો હાથમાં લેવા નહીં દઈએ અને આવી શક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. અમે ફક્ત અમારા મેનિફેસ્ટોમાં આ કહ્યું છે, પરંતુ ભાજપ તેનો ઉપયોગ ભાવનાત્મક મુદ્દા તરીકે કરવાનો પ્રયાસ કરી રહી છે.
શિવકુમારે કહ્યું કે કોપ્પલમાં અંજનાદ્રી ટેકરીઓ પર સ્થિત ભગવાન હનુમાનના જન્મસ્થળને વિકસાવવા કોંગ્રેસ અંજનાદ્રી વિકાસ બોર્ડની રચના કરશે. અગાઉ, પૂર્વ સીએમ વીરપ્પા મોઈલીએ કહ્યું હતું કે કોંગ્રેસે એવું નથી કહ્યું કે તે બજરંગ દળ પર પ્રતિબંધ મૂકશે, પરંતુ માત્ર એટલું જ કહ્યું છે કે પીએફઆઈ અને બજરંગ દળ જેવા સંગઠનો સમાજમાં શાંતિ ભંગ કરે છે.
મોઈલીએ કહ્યું, ‘હું કર્ણાટકમાં કાયદા મંત્રી હતો. રાજ્ય સરકાર તે કરી શકતી નથી. રાજ્ય સરકાર પણ બજરંગ દળ પર પ્રતિબંધ મૂકી શકે નહીં. અમારી સમક્ષ આવો કોઈ પ્રસ્તાવ નહોતો.
કોંગ્રેસના વરિષ્ઠ કાર્યકર્તા મનીષ તિવારીએ ગુરુવારે કહ્યું કે તેઓ દિવસમાં બે વાર ‘હનુમાન ચાલીસા’નો પાઠ કરે છે. તેમણે કહ્યું કે ભાજપ રાજકીય લાભ માટે ચાલીસાનો પાઠ કરે છે, જ્યારે લોકો દિલ ખોલીને રોજ ભજન કરે છે. બજરંગ દળના મંડલ કન્વીનર રાજેશ ગૌડાએ કહ્યું કે શિવકુમારનું સામ્રાજ્ય રાવણની લંકાની જેમ નષ્ટ થશે. તેમણે લોકોને કોંગ્રેસને વોટ આપતા પહેલા બે વાર વિચારવાનું કહ્યું.
હુબલી-ધારવાડમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ‘હનુમાન ચાલીસા’નું પઠન કરવામાં આવ્યું હતું. કોપ્પલના વિદ્યાનગર, લાઈન બજાર અને ભાગ્યનગરમાં પણ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. બેલગાવીના સંયુક્ત મહારાષ્ટ્ર ચોક ખાતે આવેલા હનુમાન મંદિરમાં ગુરુવારે સાંજે આયોજિત કાર્યક્રમમાં મહિલાઓ સહિત બજરંગ દળના સેંકડો કાર્યકરોએ ભાગ લીધો હતો.
કર્ણાટક દક્ષિણ પ્રાંતના સંયુક્ત સચિવ શરણ પંપવેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ કન્નડમાં 100 થી વધુ સ્થળોએ ‘હનુમાન ચાલીસા’નું પઠન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, કર્ણાટકના લોકોએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ પર નારાજગી વ્યક્ત કરી છે. ચાલો આપણે બધા મતભેદોને બાજુ પર રાખીએ અને ધર્મની રક્ષા માટે એક થઈને કામ કરીએ.