અન્ય ટીમોની સરખામણીમાં ટી-૨૦ માટે ભારતીય ટીમ વધુ મજબુત : કોઈપણ ટીમને હરાવવા માટે પ્રબળ દાવેદાર
કોરોનાનાં કહેર વચ્ચે જયારે લોકડાઉન જોવા મળી રહ્યું છે તેને લઈ રમતોને ઘણી અસરનો સામનો કરવો પડી રહ્યો છે. ક્રિકેટ રમતને પણ કોરોના અને લોકડાઉન ખુબ ખરાબ રીતે નડયું છે. આ તકે ભારતીય ટીમના વિસ્ફોટક ઓપનર રોહિત શર્માએ આગામી સમયમાં રમાનાર ૩ વિશ્ર્વકપમાંથી ૨ વિશ્ર્વકપ હાંસલ કરવા જણાવ્યું હતું અને વિશ્ર્વાસ પણ વ્યકત કર્યો હતો. સુરેશ રૈના સાથે ઈન્સ્ટાગ્રામનાં લાઈવ સેશનમાં રોહિત શર્માએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ત્રણ વિશ્ર્વકપ આવી રહ્યા છે જેમાં બે ટી-૨૦ અને બે ૫૦ ઓવરનો વિશ્ર્વકપ રમાશે. ૨૦૧૯માં રમાયેલા વિશ્ર્વકપમાં રોહિતે ૯ મેચમાં ૬૪૮ રન કરી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો પરંતુ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે પરાજય મળતા ટીમ ફાઈનલ સુધી પહોંચી શકી ન હતી. રોહિત શર્માએ જણાવ્યું હતું કે, વર્લ્ડકપ એક એવી ટુર્નામેન્ટ છે કે જેને જીતવી મુશ્કેલ હોય છે. કોઈપણ ટીમ માટે ૭ થી ૮ ટીમોને હરાવવું તે એક કપરા ચઢાણરૂ પ સાબિત થાય છે પણ જો વિશ્ર્વકપ જયારે જીતવામાં આવે તો તેની ખુશી પણ બમણી જ થતી હોય છે.
ઈન્સ્ટાગ્રામ લાઈવમાં રોહિત શર્માએ સુરેશ રૈના સાથે વાર્તાલાપ કરતા જણાવ્યું હતું કે, આવનારા સમયમાં એક સાથે ત્રણ વિશ્ર્વકપ રમાવવામાં આવશે જેમાં બે ટી-૨૦ અને એક ૫૦ ઓવરનો વિશ્ર્વકપ છે તેમાંથી બે વિશ્ર્વકપ ભારતીય ટીમે જીતવા જ જોઈએ. હાલ ભારતમાં જે આઈપીએલ શરૂ થયો છે તેનાથી ભારતીય ક્રિકેટરોને ટી-૨૦નો બહોળો અનુભવ મળ્યો છે અને ભારતીય ટીમ ટી-૨૦ મેચ માટે ઘણી ખરી પ્રેકટીશ પણ કરી છે આ તમામ મુદાઓને ધ્યાને લઈ એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે ટી-૨૦ માટે ભારતીય ટીમ કોઈપણ ટીમને હરાવવા માટે પ્રબળ દાવેદાર પણ માનવામાં આવે છે. રોહિત શર્મા એકમાત્ર એવો ખેલાડી છે કે વન-ડેમાં તેને ૩ વખત ડબલ સેન્ચ્યુરી ફટકારી હોય ત્યારે વ્યકિતગત સર્વાધીક સ્કોરનો રેકોર્ડ પણ રોહિત શર્માનાં નામે છે કે જેને શ્રીલંકા સામે ૨૬૪ રન બનાવ્યા હતા. રોહિત શર્મા એકમાત્ર એવો ખેલાડી છે કે જેને વિશ્ર્વકપમાં પાંચ સદી ફટકારી હોય ત્યારે રોહિત શર્માએ વિશ્ર્વાસ દાખવતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં ભારતીય ટીમ ત્રણ વિશ્ર્વકપમાંથી બે વિશ્ર્વકપ જીતવા સજજ છે.