11 માસના લાંબા અંતરાલ બાદ ગઇકાલે સાંજે કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય “કમલમ” ખાતે ભાજપની કારોબારી બેઠક મળી હતી જે કેન્દ્ર સરકાર અને ભાજપ સરકારને અભિનંદન આપતા ઠરાવો પ્રસાર કરાયા હતાં. વર્ષ-2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચુંટણીનો જંગ જીતવા માટે પેજ સમિતિનું કામ ઝડપથી પૂર્ણ કરવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે હાંકલ કરી હતી.
ભાજપની કારોબારીમાં કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રધ્ધાંજલી અપાઇ : કેન્દ્ર અને રાજ્ય સરકારનો વ્યક્ત કરાયો આભાર
કારોબારીની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કોરોના કપરા કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે નિર્ણય લીધો તેનાથી મોટી જાનહાની ટળી. સાથે કોરોનાની બીજી લહેરમાં જે રીતે ઓક્સિજનની વ્યવસ્થા, બેડની વ્યવસ્થાનો આભાર માન્યો હતો. સાથે રાજ્ય સરકારે તાઉતે વાવાઝોડા અને કોરોનામાં દર્દીઓ માટે જે વ્યવસ્થા કરી છે તેના માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો પણ આભાર માન્યો હતો.
રાજ્ય સરકારની કામગીરીના પણ વખાણ કરતા જણાવ્યું કે રાજ્યમાં કર્ફ્યુ જેવી સ્થિતિ દૂર થઇ છે. કોરોનામાં રાજ્ય સરકાર સાથે સંગઠની કામગીરી અંગે પણ ચર્ચા કરી કામગીરીને બીરદાવી સાથે સી.આર. પાટીલ પેજ સમિતિનું કામ ઝડપથી થાય તે માટે હાંકલ કરી હતી.પ્રદેશ કારોબારીની બેઠકમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ લોકો માટે શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો ત્યાર પછી રાજકીય પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં થયેલ પેટા ચુંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કાર્યકરોએ કરેલ કામને બીરદાવી કોરોના કપરા કાળમાં સંગઠને કરેલ સેવાકાર્ય જે સી.આર.પાટીલ અધ્યક્ષતામાં થયા તેમનો આભાર માન્યો હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કરેલ સેવા કાર્યને બીરદાવી અને કાર્યકરોનો આભાર માન્યો હતો.
ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવે કોરોના જેવા કપરા સમયમાં કરેલ કાર્યને બીરદાવી અને કેન્દ્ર સરકારના કામને પ્રજા સુધી કેવી રીતે પહોંચાડવું તે અંગે માર્ગદર્શન આપ્યું સાથે આવનાર સમયમાં પાર્ટીના વિવિધ કાર્ય અંગે પણ ભુપેન્દ્ર યાદવએ માર્ગદર્શન આપ્યું હતું અને પેજ સમિતિના કામને લઇ પ્રદેશ અધ્યક્ષને અભિનંદન પાઠવ્યા હતાં.