- કાલે ભાઈ દ/ત ભાઈ કાર્યક્રમ અને અંતિમ દિવસે સંવત્સરી આલોચના વિધિ
Rajkot:અનંત ઉપકાર કરીને પ્રભુએ આપણને અર્પણ કરેલા જ્ઞાનની હજારો હૃદય સુધી પ્રભાવના કરવારૂપ શાસન કર્તવ્ય નિભાવવાની પ્રેરણા પ્રસારતા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના છઠ્ઠા દિવસે, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ઉપસ્થિત સહુ પ્રભુના જ્ઞાનની શક્ય એટલી પ્રભાવના કરવા, પ્રભુના અસીમ ઉપકારોથી આંશિક ઋણમુક્ત બનવા માટે સંકલ્પબદ્ધ બન્યાં હતાં.
આત્માને પાપોથી પ્રોટેક્ટ કરાવી દેનારી ઇનર ક્લિનિંગ ધ્યાન સાધના અને ડુંગર દરબારના વિશાળ શામિયાણામાં પ્રસરેલી સાધુપદની અંતરસ્પર્શી ધૂનના પવિત્ર તરંગોમાં ભળી હતી પ્રભુ ચરણમાં ઉપકાર અભિવ્યક્તિની અંતરવંદનાની અર્પણતા કરાવતી પરમ ગુરુદેવની જ્ઞાનધારા જ્યારે પ્રગટ્યા હતા એવા વચન કે, વર્ધમાનરૂપી દેહને જન્મ આપનારી માતા ત્રિશાલાદેવીનો જયકાર બોલાવીને આપણે પ્રભુના જન્મોત્સવ તો અનેક વખત ઉજવ્યા પરંતુ મહાવીરરૂપી ભગવંતતાને જન્મ આપનારા એમના કેવળજ્ઞાનને જગતના હજારો હૃદય સુધી પહોંચાડવાનો પુરુષાર્થ કરવો તે આપણા સહુનું શાસન કર્તવ્ય રહેલું છે.
રાજકુમાર વર્ધમાનમાંથી યોગી મહાવીર અને શ્રમણ મહાવીર બનનારા પ્રભુને જ્યાં સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ નહોતી થઈ ત્યાં સુધી જંગલમાં એકલા હતા, અટુલા હતા, લોકો છુ-છુકાર કરીને એમના પર ડોગીઓ છોડીનેએમને ભગાડી દેતા હતા પરંતુ એ જ યોગી મહાવીરને જે ક્ષણે, જે દિવસે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એ દિવસથી લોકો એમને ભગવાન માનીને પૂજવા લાગ્યા. વ્યક્તિ એક જ હોય સામાન્ય હોય તો લોકો ભગાવી દે પણ પૂર્ણ જ્ઞાની બની જાય તો લોકો ભગવાન બનાવીને પૂજે. પથ્થર એકનો એક જ હોય, અણઘડ હોય તો અનેકની ઠોકર ખાય અને પ્રતિમા બને તો પૂજાઈ જાય આપણું દુર્ભાગ્ય છે કે આપણી પાસે પ્રભુના દેહ ચરણ નથી પૂજવા માટે પરંતુ સૌભાગ્ય છે આપણું કે આપણી પાસે જ્ઞાનરૂપી પ્રભુના અક્ષર દેહરૂપી આગમજ્ઞાન ગ્રંથો છે. એ ગ્રંથોને પૂજવાનું એ જ્ઞાનની પ્રભાવના કરવાનું પરમ સૌભાગ્ય આપણી પાસે છે.
રોમ રોમને સ્પંદિત કરી દેનારા, આત્મા પર પ્રભુના ઉપકારો પ્રત્યેનું અમીટ સંસ્કરણ કરી દેનારા પરમ ગુરુદેવના આવા હિતકારી વચનો સાથે જ આ અવસરે, જગતના દરેક દર્દની દવા, દરેક દુ:ખની એક જ દવા અને જગતની દરેક સમસ્યાનું સમાધાન તે પ્રભુના અક્ષરદેહ સ્વરૂપ આગમ ગ્રંથની પાવન પ્રેરણા પ્રસારતી સુંદર નાટિકાની પ્રસ્તુતિ ઉપરાંત જેમ દોરા સાથેની સોય ક્યાંય ખોવાતી નથી એમ શ્રુતજ્ઞાનથી પરોવાએલો આત્મા આ સંસારમાં ક્યાંય ખોવાતો નથી આવી જ્ઞાન સમૃદ્ધ બનવાની પ્રેરણા આપતા સોયના પ્રયોગ દ્વારા સહુને પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આવતીકાલ 07.09.2024 શનિવાર પર્વના સાતમા દિવસે સવારના 09:00 કલાકે ભાઈ દ/ત ભાઈનો વિશિષ્ટ કાર્યક્રમ યોજાશે. એક જ પરિવારના બે ભાઈઓ વચ્ચે સર્જાએલી ગેરસમજણ, મતભેદ અને વર્ષોના અબોલાને દૂર કરાવીને પરસ્પર સ્નેહ અને ક્ષમાનું આદાન-પ્રદાન કરતા અદભૂત દ્રશ્યો સર્જાશે.
વિશેષમાં, રવિવારે પર્વના અંતિમ દિવસે બપોરના 03:00 થી 05:00 કલાક દરમિયાન પર્વાધિરાજ પર્વના આવશ્યક કર્તવ્ય સ્વરૂપ “સંવત્સરી આલોચના વિધિ”નો કાર્યક્રમ યોજાશે.
આ અવસરે પરમ ગુરુદેવના શ્રીમુખેથી જન્મ-જન્મના પાપ-દોષોથી કટ ઓફ કરાવનારી પરમ કલ્યાણકારી શ્રાવક દીક્ષાની અર્પણતા કરાવવા સાથે હજારો-લાખો ભાવિકોને આંખ પર પટ્ટી બંધાવીને, બંધ આંખે, અંતર નયનથી ભવોભવના પાપ-દોષોનું આલોચન કરાવીને, રડતી આંખે, પ્રભુ ચરણમાં પાપોનું પ્રાયશ્ચિત કરાવીને આત્મશુદ્ધિ કરાવવામાં આવશે.
એ સાથે જ, સાંજના સમયે 6:30 કલાકે આત્મા પર લાગેલા દરેક દોષ અને પાપોની વિશુદ્ધિ કરાવતી સવંત્સરી પ્રતિક્રમણ આરાધના વિધિ કરાવવામાં આવશે.