વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિના પ્રસંગે ભાજપના સાંસદોને સંબોધિત કર્યા
અમે માત્ર સરકાર ચલાવવા નથી આવ્યા પરંતુ દેશ આગળ લઈ જવા આવ્યા છીએ તેવું આજ રોજ વડાપ્રધાન મોદીએ દિલ્હી ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની પુણ્યતિથિ પ્રસંગે ભાજપના સાંસદોને સંબોધન દરમિયાન કહ્યું હતું.
સંબોધનની શરુઆતમાં પીએમએ કહ્યું હતું કે, આજે આપણે બધા દીનદયાળ ઉપાધ્યાયજીની પૂણ્યતિથિ પર આજે તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા એકત્રિત થયા છીએ. પહેલા પણ અનેક પ્રસંગોમાં આપણે દીનદયાળ જીની સાથે જોડાયેલા કાર્યક્રમોમાં સામેલ થવાનો વિચાર મુકવા અને પોતાના વરિષ્ઠજનોના વિચાર સાંભળવાનો મોકો મળ્યો છે.
પીએમએ વિભિન્ન ૩ રાજ્યોના વિભાજનને લઈને કહ્યું કે ભાજપની સરકારોએ ૩ નવા રાજ્યો બનાવ્યા તો અમારા દરેક વર્તન વ્યવહારમાં દીનદયાળજીના સંસ્કારોની અસર સ્પષ્ટ જોઈ શકે છે. તેમણે કહ્યું કે અમારી પાર્ટી મહાત્મા ગાંધીના એ સિદ્ધાંતો પર ચાલી રહી છે જેમાં અમને પ્રેમ અને કરુણાના પાઠ શીખવે છે.
તેમજ પીએમએ કહ્યું તમે બધા દીનદયાળજીને પણ વાંચ્યા છે અને તેમને પોતાના આદર્શોથી જીવનને ઘડ્યું છે. જેથી તમે બધા તેમના વિચારો અને સમર્પણથી પરિચિત છો. મારો અનુભવ છે કે તેમના વિચારો આપણને દર વખતે નવીનતાનો અનુભવ કરાવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સામાજિક જીવનમાં એક નેતા કેવા હોવા જોઈએ ભારતના લોકતંત્ર અને મૂલ્યોને કેવી રીતે જીવવા જોઈએ, દીનદયાળજી તેના સૌથી મોટા ઉદાહરણ છે. પહેલા જ પાર્ટીના વિચારક દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિને લઈને પીએમએ ટ્વીટ કરી જણાવ્યું હતુ કે દીનદયાળજી નું જીવન અને તેમનું મિશન આપણા બધા માટે પ્રેરણાદાયક છે.
કોરોના કાળમાં ભારતે દરેકની ચિંતા કરી છે તેમણે ઉમેર્યું હતું કે ભારતે પહેલા દવા અને હવે વેક્સિન પહોંચાડી છે દેશ આત્મનિર્ભરતા ક્ષેત્રે આગળ વધી રહ્યો છે સમગ્ર વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે દેશમાં થઇ રહેલી ગતિવિધિઓથી વિશ્વભરના ભારતીયોને ગર્વ છે. આ ઉપરાંત દેશ રક્ષાના ક્ષેત્રમાં પણ મજબૂત થયો છે.
રાષ્ટ્રનીતિનો સ્વીકાર કરીશું, રાજનીતિને બીજા નંબર પર રાખીશું
પીએમએ કહ્યું આ આપણી વિચારધારા છે કે આપણને રાજનીતિનો પાઠ, રાષ્ટ્રનીતિની ભાષામાં ભણાવવામાં આવે છે. આપણી રાજનીતિમાં રાષ્ટ્રનીતિ સર્વોપરી છે. જો અમારે રાજનીતિ અને રાષ્ટ્રનીતિમાં એકનો સ્વીકાર કરવાનો હશે તો અમને સંસ્કાર મળ્યા છે કે અમે રાષ્ટ્રનીતિનો સ્વીકાર કરીશું, રાજનીતિને બીજા નંબર પર રાખીશું.
પાર્ટીમાં વંશવાદને નહીં કાર્યકર્તાઓને મહત્વ
રાજનીતિક અસ્પૃશ્યતાના વિચારનો અસ્વીકાર કરતા પાર્ટીમાં વંશવાદને નહીં કાર્યકર્તાઓને મહત્વ આપ્યું છે. તેમણે કહ્યું કે પ્રણવ મુખર્જી, તરુણ ગોગોઈ એસ.સી. જમીર આમાંથી કોઈ રાજનેતા અમારી પાર્ટી કે પછી ગઠબંધનનો ભાગ ક્યારેય નથી રહ્યા પણ રાષ્ટ્ર પ્રત્યેના તેમના યોગદાનનું સન્માન કરવું અમારુ કર્તવ્ય છે.