સોશિયલ મીડિયાના “વાયરલ” વાયરસને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઈન્ફોર્મેશન & ટેકનોલોજી એક્ટ હેઠળ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે હેઠળ સોશિયલ મીડિયા જાયન્ટ્સ, ડિજિટલ ન્યૂઝ મીડિયા તેમજ ઓટીટી પ્લેટફોર્મ પર ઘણા નિયંત્રણો લાગુ પડશે.
જો કે આ નવા આઈટી નિયમો સામે વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર સહિતની કંપનીઓએ વિરોધી શૂર ઉઠાવ્યા બાદ હવે ધુરંધર મીડિયા હાઉસોએ પણ વિરોધ કરી કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. નવા આઈટી નિયમો હેઠળ “ડિજિટલ મીડિયા”ની વ્યાખ્યા ખોટી કરાંઈ છે, તેનું અર્થઘટન ખોટું કરવામાં આવ્યું છે તેવો ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશન-ડીએનપીએ આક્ષેપ મૂકી મદ્રાસ હાઈકોર્ટમાં ઘા ઝીંક્યો છે.
નવા આઈટી નિયમો સામે ડીજીટલ ન્યુઝ પબ્લિસર્શ એસોસિએશનનો વિરોધ: મદ્રાસ હાઈકોર્ટમાં ઘા
નવી ગાઈડલાઈન હેઠળ ‘ડીજીટલ મીડિયા’નું ખોટું અર્થઘટન થયું હોવાનો ઉગઙઅનો આક્ષેપ; પ્રીન્ટ, ઈલેકટ્રોનીક મીડિયાને બાકાત રાખવા માંગ
નવા નિયમોથી ‘ડીજીટલ મીડીયા’ પર ચારણો લાગશે??
ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશન કે જે એબીપી નેટવર્ક, એનડીટીવી, જાગરણ, લોકમત તેમજ એક્સપ્રેસ નેટવર્ક જેવા ધુરંધર 12 ડિજિટલ મીડિયા આઉટલેટ્સની સભ્યવાળી સંસ્થા છે. એસોસિએશને અરજીકર્તા પત્રકાર મુકુંદ પદ્મનાબહેન સાથે મળીને મદ્રાસ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તેમના મત મુજબ નવા આઈટી નિયમો હેઠળ લીગસી મીડિયા હાઉસને ખોટી રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
આ લીગસી ઈન્ડિયા હાઉસમાં પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા અને ડિજિટલ મીડિયાનો પણ સમાવેશ થાય છે. આ ત્રણેય પ્લેટફોર્મ ચલાવતા ન્યુઝ પબ્લિશર્સ અગાઉથી જ જુના નીતિ નિયમો અને કાયદા હેઠળ રહી કામ કરે છે તો પછી નવા આઈટી નિયમો અમારી માટે શું કામ ?? નવા નીતિ નિયમો માત્ર એવા જ પ્લેટફોર્મ ને લાગુ થવા જોઈએ કે જેઓ માત્ર ને માત્ર ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ જ ચલાવતા હોય.
જે મીડિયા હાઉસ પાસે ન્યુઝ પેપર્સ, ચેનલ જે અને તે તેના આધારે રહી જ ડિજિટલી મીડિયા ચલાવે છે. પ્રારંભિક સ્તરે જ જુના નિયમોનું પાલન થાય છે તો પછી આ નવા નિયમોની આવશ્યકતા નથી. આમ પરોક્ષ રીતે નવા નિયમો હેઠળ પ્રિન્ટ કે ઈલેક્ટ્રોનિક મીડિયા પણ આવી જાય છે જે ખોટું છે. તેમ અરજીમાં એસોસિએશને જણાવ્યું છે.
વધુમાં આ અરજીમાં લખવામાં આવ્યું છે કે, તેઓએ કોઈ ઉલ્લેખ કરવાની જરૂર નથી કે ટેલિવિઝન પ્રસારણ માધ્યમો સાથે પ્રિન્ટ અખબારના માધ્યમો દેશમાં લોકશાહીનો ચોથો આધાર છે. ચોથી જાગીર ગણાય છે. પણ હવે કહેવાતા મીડિયા હાઉસને માત્ર ‘ડિજિટલ મીડિયા’ પૂરતું ગણી નવા કાયદામાં આવરવું તે અમાન્ય છે. અમે જાણીએ છીએ કે સરકાર ગેરકાયદે કન્ટેન્ટ, કમેન્ટ રોકવા ડિજિટલ મીડિયા પર અંકુશ લાવવા ઈચ્છે છે જે જરૂરી પણ છે પરંતુ આમાંથી પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક ચલાવતા હોય તેવા ડિજિટલ મીડિયાને બાકાત કરવા જોઈએ.
તેમણે એમ પણ આક્ષેપ મુક્યો છે કે જો આ નિયમો બધા પ્લેટફોર્મ માટે લાગુ પડશે તો ઘણાં અંશે વાણી સ્વતંત્રતા અને અભિવ્યક્તિના મૂળભૂત અધિકારોનું હનન પણ થઈ શકે છે. મુખ્ય ન્યાયાધીશ સંજીબ બેનર્જી અને ન્યાયાધીશ સેન્થિલકુમાર રામામૂર્તિની ખંડપીઠે આ અરજીની સુનાવણી હાથ ધરી છે અને આ મુદ્દાને ધ્યાનમાં રાખી સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.
ઉલ્લેખનીય છે કે નવા આઈટી નિયમો મુજબ સોશિયલ મીડિયા કંપનીઓએ ફરિયાદી નિવારણ અધિકારીની નિમણૂક, નોડલ ઓફિસરની નિમણૂક તેમજ ગેરકાયદે કમેન્ટ, કન્ટેન્ટ કે કોઈ પોસ્ટ 24 કલાકમાં ડિલીટ કરવી જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે નિયમો તો ડિજિટલ ન્યૂઝ મીડિયા માટે એડ્રેસ, મેઈલ, યૂઝર્સ સહિતની વિગતો આપવી, નોડલ ઓફીસરની નિમણુંક કરવી તેમજ દર મહિને સરકારને રિપોર્ટ આપવો જેવા નિયમો લાદવામાં આવ્યા છે.
કોઈપણનો ફોટો કે વિગતની ઉઠાંતરી તમારૂ સોશિયલ મીડિયા એકાઉન્ટ 24 કલાકમાં બંધ કરી દેશે!!
નેતા, અભિનેતા કે અન્યોના નામે મેળવાતી ‘લાઈક’ પર લાગશે રોક
ફેસબુક, ટ્વીટર, યૂટ્યૂબ કે ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતી ગેરકાયદે કમેન્ટ, કન્ટેન્ટ કે પોસ્ટ માટે તો યૂઝર્સ જવાબદાર ગણાશે અને જેલના સળિયા ગણવા સુધીની સજા પણ ભોગવી શકે છે. પરંતુ હવે જો આ સાથે કોઈ પણનો ફોટો કે કોઈની વિગતની ઉઠાંતરી કરી તો તમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ 24 કલાકમાં બંધ થઈ શકે છે.
ખોટી માહિતી, ફેક સમાચારો ફેલાતા રોકવા માટે સરકારે નવા આઈટી કાનૂનો લાગુ કર્યા છે. ત્યારે વધુ એક નિર્દેશ આપતા આઈટી મંત્રાલયે જણાવ્યું છે કે ફેક એકાઉન્ટ અંગે કોઈ ફરિયાદ મળશે તો તેના 24 કલાકમાં જ શોસિયલ મીડિયા કંપનીઓએ આવા એકાઉન્ટ હટાવી દેવા પડશે. ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવી ટોચની કંપનીઓએ ફેંકુ યૂઝર્સને દૂર કરવાં પડશે.
સરકારે કહ્યું છે કે આ આદેશ નવા આઇટી નિયમોના ભાગ રૂપે આવે છે અને આ રીતે સોશિયલ મીડિયાની દિગ્ગજોએ આ અંગેની ફરિયાદ મળ્યા પછી તરત જ કાર્યવાહી કરવાની જરૂર રહેશે. અન્યથા આવી શોસિયલ મીડિયા કંપનીઓ સામે પણ પગલાં લેવાઈ શકે છે. આ નવા નિર્દેશના અમલથી હવે નેતા, અભિનેતા કે અન્ય કોઈપણ વ્યક્તિના નામે કરાતી ગેરકાયદે પોસ્ટ, કમેન્ટ પર રોક લાગશે.
એટલું જ નહીં મોર્ફિંગ કરવું પણ અઘરું બનશે એટલે કે કોઈ જાણીતા ફિલ્મ અભિનેતા, અથવા ક્રિકેટર, અથવા રાજકારણી, અથવા કોઈપણ અન્ય વપરાશકર્તા કે અનુયાયીઓ સાથે એડિટ કરી આપણા ફોટા મુકવા પણ તમને મુસીબતમાં મૂકી શકે છે. જે તે વ્યક્તિએ વાંધો ઉઠાવ્યો તો તમારું એકાઉન્ટ 24 કલાકમાં ડીલીટ થઈ જશે.
લોકપ્રિય હસ્તીઓ, પ્રભાવકો, કાર્યકરો અને કોર્પોરેટરો / વ્યવસાયો માટે ઇમ્પર્સોનેટર્સએ મુખ્ય વ્રણ બિંદુ છે કારણ કે તેઓની વિવિધ કારણોસર નકલ થાય છે. પરંતુ આવા ખ્યાતનામ લોકોને નામે મેળવાતી લાઈક, રિચ પર હવે રોક લાગશે. આવા એકાઉન્ટ્સ કોઈ તોફાન અથવા ગુના કરવા માટે અથવા આર્થિક છેતરપિંડી માટે પણ બનાવવામાં આવેલું હોઈ શકે છે. આવા કેટલાક એકાઉન્ટ્સ લોકપ્રિય હસ્તીઓના ચાહકો દ્વારા પણ બનાવવામાં આવે છે. લોકપ્રિય વ્યક્તિત્વની છબીને તેમના પ્રોફાઇલ ચિત્ર તરીકે ઉપયોગ કરવા સિવાય, કેટલાક નકલી એકાઉન્ટ ધારકો તેમની પોતાની છબી સેલિબ્રિટી / રાજકારણીમાં પણ ઉમેરે છે. આવા દુષનો દૂર કરવા નવા નિયમો મદદ કરશે તેમ સરકારે જણાવ્યું છે