પ્રચાર પ્રસારના અંતિમ દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના કન્નોજ,હરદોઇ અને સીતાપુરમાં સભા સંબોધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉત્તરપ્રદેશના કન્નોજમાં રેલી કરી છે. તેઓએ કહ્યું કે, મારો પ્રચાર એવો પરિવાર કરી રહ્યું છે જેનો દીકરો માતૃભૂમિની સુરક્ષામાં તહેનાત છે. રાહુલગાંધી પર કટાક્ષ કરતા મોદીએ કહ્યું કે, અમે બટાટાંમાંથી સોનું બનાવવાનો વાયદો નથી કરતા. આજે મોદીએ હરદોઇ અને સીતાપુરમાં પણ સભા સંબોધિત કરી હતી.
વડાપ્રધાને કહ્યું, અમે એવા વાયદા નથી કરતા જેના કારણે જનતા બેચેન થઇ જાય. દેશમાં કેટલાંક બુદ્ધિશાળી અને તેજસ્વી લોકો એવા પણ છે જેઓ બટાટામાંથી સોનું બનાવે છે. માફ કરજો, અમે આવા કામ નથી કરી શકતા. હું કે મારી પાર્ટી બટાટામાંથી સોનું નથી બનાવી શકતા. અમે આવા વાયદા નથી કરતા અને ના તો બટાટામાંથી સોનું બનાવી શકીએ. અમે કોલ્ડ સ્ટોરેજ ચોક્કસથઈ બનાવી શકીએ, જેથી બટાટા સુરક્ષિત થઇ જાય અને તમે ચિપ્સ બનાવી શકો. અમે તમને તેનું યોગ્ય મૂલ્ય અપાવી શકીએ અને તમારી ચીજવસ્તુઓ બહાર વેચાણ માટે પણ જઇ શકે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી બીજીવાર ઉમેદવારી પત્ર દાખલ કર્યુ. આ માટે એનડીએના પ્રમુખ નેતા વારાણસી પહોંચ્યા હતા. આ અગાઉ મોદીએ ગુરૂવારે કાશીમાં રોડ શો કર્યો હતો. ઉત્તરપ્રદેશમાં ચોથા ચરણ હેઠલ ૧૩ લોકસભા સીટો પર મતદાન થશે.
જેમાં શાહજહાંપુર, ખીરી, હરદોઇ, મિસરિખ, ઉન્નાવ, ફર્રુખાબાદ, ઇટાવા, કન્નોજ, કાનપુર, અકબરપુર, જાલૌન, ઝાંસી અને હમીરપુર સીટ સામેલ છે.કન્નોજમાં ભાજપના સુબ્રત સામે ડિમ્પલ મેદાને છે. પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ કન્નોજથી સાંસદ છે. સપાએ આ વખતે પણ ડિમ્પલને મેદાનમાં ઉતારી છે. આ વખતે તે સપા-બસપા-રાલદોના ગઠબંધનની ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહી છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે ડિમ્પલ સામે સુબ્રત પાઠકને ટિકીટ આપી હતી. ત્યારે તેઓને બહુ ઓછા અંતરે હાર મળી હતી.
આજે ચોથા તબક્કાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર શાંત પડવાનો છે. ત્યારે પ્રચાર પ્રસારના અંતિમ દિને વડાપ્રધાને ઉત્તરપ્રદેશના કન્નોજમાં રેલી યોજી હતી. આ તકે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.