કોરોના સંક્રમણના ઘટાડાના પગલે ગુજરાત રાજ્યમાં જનજીવન પુન ધબકતું કરવાની નેમ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વ્યક્ત કરી છે. બોટાદ નગરપાલિકાના નાનાજી દેશમુખ હોલ ખાતે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લાની સમીક્ષા બેઠકમાં ભાગ લેતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાલ નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આપણે કોરોનાની બીજી લહેરને સફળતાપૂર્વક પાર કરી છે અને હવે રાજ્યમાં ખેતી, ઉદ્યોગ-ધંધા અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં તબક્કાવાર છુટછાટ આપી જનજીવનને પૂર્વવત કરવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતનું વિકાસ-ચક્ર થંભે એ કોઈ રીતે આપણને પોસાય નહીં. નાયબ મુખ્યમંત્રીએ જિલ્લાના જનપ્રતિનિધિઓ સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બોટાદને મેડિકલ કોલેજને મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં જ તે અંગેની કામગીરી શરુ થશે, જેના પરિણામે ગુજરાતના આરોગ્યક્ષેત્રના નકશા પર બોટાદ જિલ્લો પણ સ્થાન પામશે. નાયબ મુખ્યમંત્રીએ એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજકોટ અને ભાવનગરની જેમ બોટાદ પણ તેની આરોગ્ય સેવાના કારણે સૌરાષ્ટ્રમાં મહત્વનું કેન્દ્ર બની રહેશે.

બોટાદ નગરપાલિકાના નાનાજી દેશમુખ હોલમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત અધિકારી,પદાધિકારી અને કાર્યકર્તાઓ સાથે વિચાર-વિમર્શ કરતાં નીતિનભાઈ પટેલે કહ્યું કે, ગુજરાત સરકાર દ્વારા થતાં નાણાકીય ખર્ચનો સંપૂર્ણ ઉપયોગ પ્રજાહિતમાં થાય તે દિશામાં કાર્યરત છે. તેમણે આ તબક્કે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં નિર્માણાધીન રસ્તાની ગુણવત્તા સાથે બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.

નાયબ મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરતા કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાનો અસરકારક અમલ થાય તે માટે સૌએ ગંભીરતાથી કાર્ય કરવું જોઈએ. તેમણે સ્થાનિક પ્રશ્નોનો ઉકેલ જિલ્લા-તાલુકા સ્તરે જ આવે તેવો અભિગમ અપનાવવાનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વિશેષપણે ઉપસ્થિત રહેલા ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે બોટાદને મેડિકલ કોલેજ ફાળવવા બદલ નાયબ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રાસંગિક ઉદબોધનમાં  ઉર્જામંત્રીએ અધિકારી અને પદાધિકારીઓને ટીમ બોટાદ તરીકે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. બોટાદની જિલ્લા કક્ષાની આ સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા ઉપરાંત જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અમિત જોશી, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, અધિક નિવાસી કલેક્ટર મુકેશ પરમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમ જ નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.