હાલ કોરોના વાયરસે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. બીજી લહેરમાં કેસ ઝડપભેર વધતા દર્દીઓના મોતની સંખ્યા પણ વધી છે. દેશમાં સ્વાસ્થ્ય કટોકટી સર્જાઈ હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. કોરોના સામેના આ મહાસંકટમાં હવે ન્યાયતંત્ર મેદાને ઊતર્યું હોય તેમ દેશભરની હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા સુઓમોટો લઈ વિવિધ મુદ્દા પર સુનાવણી કરી સરકારને નિર્દેશ અપાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પણ સુઓમોટો અરજી પણ સુનાવણી હાથ ધરી છે અને વકરતા કોરોનાની પરિસ્થિતિને લઈ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી રાષ્ટ્રીય રણનીતિ રજૂ કરવા આદેશ છે. ત્યારે આ મામલે એ પણ પ્રશ્ન ઉઠ્યા છે કે રાજ્યમાં હાઈકોર્ટે કરેલ સુઓમોટો પર હવે સુપ્રીમ જ સુનાવણી કરશે અને કેન્દ્ર ઉપરાંત દેશભરની રાજ્ય સરકારોને દિશા નિર્દેશ પૂરા પાડે છે પરંતુ આ મુદ્દે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટ અલગ અલગ રાજ્યોમાં હાઇકોર્ટ દ્વારા કરાયેલી અરજી પર કોઈ અવરોધ ઊભા કરતી નથી.
હાઇકોર્ટમાં અલગ અલગ રાજ્યની સ્થિતિને લઈને જે સુનાવણી થઇ રહી છે તે યથાવત જ રહેશે. અમે હાઈકોર્ટનો હક છીનવતા નથી પરંતુ આ મહામારીના સંકટમાં અમે હાઇકોર્ટની પૂરક બનીને ચાલશું. આફત સમયે અમે મુકપ્રેક્ષક બનીને બેસી શકીએ નહિ. ગઈકાલની સુનાવણીમાં ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે કોવિડ મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવતી સુઓમોટો કાર્યવાહીનો ઉદ્દેશ ઉચ્ચ અદાલતોને સમર્થન આપવાનો નથી. અથવા તેઓ જે કામ કરી રહ્યા છે તે ઉચ્ચ અદાલતોનો હવાલો લેવાનો પણ નથી. દેશભરની તમામ હાઇકોર્ટ તેમની પ્રાદેશિક સીમાઓમાં, તેમના રાજ્યમાં શું ચાલી રહ્યું છે તેનું મોનિટર કરવા માટે અમારા કરતા વધુ સારી સ્થિતિમાં છે.
રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિથી હાઇકોર્ટ સુપ્રીમ કરતા વધુ જાણકાર હશે. આથી અમે તેમાં અવરોધ ઉભો કરતા નથી. પરંતુ હાલ દેશમાં જે સ્વાસ્થ્ય કટોકટી ઊભી થઈ છે એવી સ્થિતિમાં અમે મુકપ્રેક્ષક બનીને બેસી પણ ન શકીએ. સ્થિતિને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે નક્કર પગલા લેવા અનિવાર્ય બન્યા છે. બેંચે સ્પષ્ટતા કરી કે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ્સ માટે પૂરક ભૂમિકા ભજવી રહ્યું છે, અને જો તેઓને પ્રાદેશિક મર્યાદાઓને લીધે કોઈ મુદ્દા સાથે સુનાવણી અથવા તેનાથી સમેટવામાં કોઈ મુશ્કેલી હોય તો સુપ્રીમ કોર્ટ તેમની મદદ કરશે.