ર્માં તે ર્માં બીજા વગડાના વા … આજે વિશ્વ માતૃભાષા દિવસ
આપણે ટંકારા વિશે શું જાણીએ છીએ? મહાન સાહિત્યકાર ‘ધુમકેતુ’ વીરપુરના હતા એ આપણને ખબર છે?
આપણને ગુજરાતી કકકો, બારક્ષરી, જોડણીનું કેટલું જ્ઞાન છે ? છતાં આજે ફોરર્વેડેડ મેસેજ મોકલીને હરખાશું ખરૂ ને?
તમને ગુજરાતી કકડો બારાક્ષરી, જોડણી આવડે છે? તમને ગુજરાતી એકડા આવડે છે ? તમને ગુજરાતીમાં વાત કરતાં કરતાં ધરાર અંગ્રેજી શબ્દો ઘૂસાડવાની આદત છે ? તમે બાળકોને ગુજરાતી માઘ્યનમાં ભણાવવામાં શરમ કે નાનપ અનુભવો છો? તમે ગુજરાતી ફિલ્મો જુઓ છો? ગુજરાતી થાળી તમને ભાવે છે? રેસ્ટોરન્ટમાં જઇ તમે વેઇટર સાથે ગુજરાતીમાં વાજ કરો છો? હવે તમે જ વિચારી લો કે તમે ગુજરાતી છો?
હા, આપણે ગુજરાતી હોવાનું ગૌરવ વારંવાર લઇએ છીએ પણ ખરા અર્થમાં ગુજરાતી છીએ કે કેમ એ પક્ષ પ્રશ્ર્ન છે. દક્ષિણ ભારતીયો હંમેશા પોતાની માતૃ ભાષામાં જ વાત કરે, બે બંગાળી ભેગા થાય તો બંગાળીમાં જ બોલે, એના લોક નૃત્યુ, લોક સંગીત, લોક નાટય વિશે ચર્ચા કરે, પંજાબીઓ હિન્દી બોલે પણ વચ્ચે શબ્દો પંજાબી આવે પણ આપણે તો કયાંયના નથી રહ્યા નથી આપણને ગુજરાતી લખતાં આવડતું કે નથી બોલતાં આવડતું !
આપણને કોઇ પૂછે કે તમે મુળ સૌરાષ્ટ્રનચા છો તો ટંકારા વિશે કાંઇ જાણો છો? આપણામાંથી કેટલાને ખબર હશે કે આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતિ ટંકારાના હતા. પોરબંદરના કીર્તિ મંદિર વિશે આપણે શું જાણીએ છીએ ? વીરપુર, જલારામ બાપાનું ધામ ખરું પણ ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકાર ‘ઘુમકેતુ’ વીરપુરના હતા તેમની લખેલી વાર્તા ‘પોસ્ટ ઓફીસ’ આજે વિશ્વની શ્રેષ્ઠ 7 વાર્તાઓમાં સ્થાન પામી છે ! આપણને લાઠીના રાજવી કવિ ‘કલાપી’ વિશે શું જ્ઞાન છે.
આજે માતૃભાષા દિને માત્ર વોટસ અપમાં ફોરવર્ડેડ મેસેજ વહેતા કરીને ગૌરવ લઇએ એ તો જાત સાથે છેતરપીંડી છે. ગુજરાતી ભણીએ, સાચું ગુજરાતી બોલીએ, લખીએ અને સૌથી મોટી વાત કે ગુજરાતી ભાષાને ચાહીએ અને એનું ગૌરવ કરીએ એ જ સાચું બાકી બધાં દંભ
ગુજરાત પર છેલ્લા એક હજાર વર્ષના કેટલાક આક્રમણો થયાં, આપણી ભાષા અને સંસ્કૃતિને નષ્ટ કરવા પ્રયત્નો થયા છતાં તે અડીખમ છે. આક્રમણકારોએ આપણી સંસ્કૃતિને જેટલું નુકશાન નથી કર્યુ એટલું આપણે કર્યુ છે. એમ કહેવું જ પડશે.
અગિયારસો વર્ષ પૂર્વે જૈન સાધુઓએ સંસ્કૃત, વાકયકૃત વગેરે ભાષામાં રચનાઓ રચી, કાવ્યો, ફાગુ રચ્યાં પછી ભાષાનો પ્રવાહ આગળ વધતો ગયોને એમ આજની ગુજરાતી આપણને મળી પણ છેલ્લા પચાસેક વર્ષમાં આપણે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું નખ્ખોદ કાઢવાનું શરુ કરી દીધું છે.
અન્ય ભાષા શીખવીએ ખોટું નથી આપણને વધુ ભાષા આવડતી હોય એ સારું ગણાય. સમય મુજબ અંગ્રેજી આવડવું જરુરી છે. પણ ગુજરાતી ન આવડે એ ચાલે જ નહીં. પાંખ વગરના જીવને તમે પંખી ન કહી શકો એમ ગુજરાતી ભાષા ન આવડતી હોય કે એની સૂગ હોય એને ગુજરાતી કેમ કહેવા?