મોરબી વીજ કર્મીના ઉઘ્ધતાઇભર્યા વર્તનની અધિક્ષક ઇજનેરને લેખિત રજૂઆત
મોરબી પીજીવીસીએલના કર્મચારીએ ‘અમે આવા કામ કરવા નવરા નથી, તમારાથી થાય તે કરી લો’ તેમ કહી ગ્રાહક સાથે ઉઘ્ધાઇ ભર્યુ વર્તન કરતા પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને આ અંગેની લેખીત રજુઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. 30 માર્ચના રોજ રાત્રે 8-8:30 કલાકે મધુવન સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ ભાઈદાસ પટેલનાં રહેણાંક મકાનની ઓચિંતા લાઈટ જતી રહેતા સોસાયટીનાં પ્રમુખ જાણીતા એડવોકેટ તથા વિષ્ણુભાઈનાં પાડોશી મહાવીરસિંહ અનોપસિંહ જાડેજાએ પીજીવીસીએલનાં કમ્પલાઈનનાં નંબર પર ફરિયાદ નોંધાવવા ફોન કરેલ ત્યારે પીજીવીસીએલ કર્મચારી એ. ડી. વસાવાએ ફોન રીસીવ કર્યો હતો અને મહાવીરસિંહએ તેને લાઈટ ગયા અંગે ફરિયાદ નોંધાવી રિપેર કરવા ક્યારે આવશે તેમ પુછતાં તેઓએ જણાવેલ કે કાલે સવારે રીપેર કરવા આવશે તેથી મહાવીરસિંહએ પુછ્યું કે સવારે કેમ? તો તેઓએ ગેરવર્તન કરતાં જણાવેલ કે, અમે આવા કામ માટે નવરા નથી. ત્યારબાદ પીજીવીસીએલનાં કર્મચારી વાછાણીને જાણ કરી મહાવીરસિંહએ ફોન પર ફરિયાદ નોંધાવી હતી અને બહારથી પ્રાઈવેટ માણસને બોલાવી ઈલેક્ટ્રિક લાઈટ અંગેનું રીપેરીંગ કરાવી લીધુ હતું ત્યારબાદ પીજીવીસીએલનાં માણસો ગાડી લઈને રીપેરીંગ કરવા આવેલ જેથી મહાવીરસિંહએ તેમને જણાવેલ કે તેમણે પ્રાઈવેટ માણસોને બોલાવી રીપેર કરાવી લીધેલ છે અને તે બાબતનો ખર્ચ કરવો પડ્યો છે.
ત્યારબાદ મહાવીરસિંહ નટરાજ ફાટક પાસે આવેલ પીજીવીસીએલ કચેરીએ જઈ એ. ડી. વસાવાને મળી સમજાવેલ કે ફરજ પર આ રીતે વર્તન ન કરાય અને પબ્લીકને શાંતિથી જવાબ આપી કાયદેસર રીતે કામ કરી આપી જોહુકમી ન ચલાવાય જેને લઈ એ. ડી. વસાવાએ કહેલ કે, તમારાથી થાય તે કરી લો હું કોઈથી બીતો નથી મારે નોકરીમાં ત્રણ માસ જ બાકી છે પીજીવીસીએલનાં કોઈ સાહેબ મારૂં કાંઈ બગાડી શકશે નહીં તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરજો આ પહેલા પણ આ જ વ્યક્તિ એ. ડી. વસાવા મધુવન સોસાયટીમાં વીજ પોલ બદલાવવા આવેલ ત્યારે પણ તેમણે નવા વીજ પોલમાં જાણી જોઈને સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં મુકી જમ્પર પણ નહિ દીધેલ તે પણ સોસાયટી વાસીઓએ પ્રાઈવેટ માણસો બોલાવી પોતાના ખર્ચે કરાવેલ
આમ પીજીવીસીએલનાં કર્મચારીનાં આવા ગેરવર્તનને લઈને મહાવીરસિંહ અનોપસિંહ જાડેજાએ અધિક્ષક ઈજનેર, પીજીવીસીએલ, મોરબી-2 ને આવા કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા લેખીત રજુઆત કરી છે.