- અમે ભાજપના ચાહક, કોઈ પણ પાટીદાર બહેનને લડાવો અમે ખોબલે ખોબલે મત આપી જીતાવીશું, પરંતુ રૂપાલા તો નહીં જ : જો ઉમેદવારી પરત નહિ ખેંચાઈ તો 20મીએ અમદાવાદના ગોતામાં પાર્ટ-2ની રણનીતિ નક્કી કરાશે
અમે ભાજપના વિરોધી નથી, મોદી સાહેબને ભગવાનની જેમ માનીએ છીએ. અમે ભાજપના ચાહક જ છીએ. કોઈ પણ પાટીદાર બહેનને લડાવો અને ખોબલે ખોબલે મત આપી જીતાવીશું, પરંતુ રૂપાલા તો નહીં જ. જો ઉમેદવારી પરત નહિ ખેંચાઈ તો 20મીએ અમદાવાદના ગોતામાં પાર્ટ-2ની રણનીતિ નક્કી કરાશે તેમ ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજાએ જણાવ્યું હતું.
પી.ટી. જાડેજાએ જણાવ્યું કે ગઈકાલે રાત્રે 12:00 થી 2:00 વાગ્યે અમારી મુખ્યમંત્રી, સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી સાથે બેઠક યોજાઇ હતી અમને વાત કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. વધુમાં પીટી જાડેજાએ જણાવ્યું કે હું 40 વર્ષથી સમાજની સેવા કરું છું બે દિવસ પહેલા જ સભા થઈ ત્યારે અમે રૂપાલાને માફ કરવાનો સંદેશ આપીએ તો અમારી ગદ્દારીની છાપ પડે. ગઈકાલે મંત્રીઓ મળવા આવ્યા ત્યારે પણ ઉમેદવારી પાછી ખેંચવાની જ વાત થઈ હતી. આ સ્વયંભૂ આંદોલન છે. મારા કહેવાથી સમાજ માની જાય તેમ ન હોય. હું સમાજને આદેશ પણ ના કરી શકું. કેમ કે સમાજ મારો ભગવાન છે. ભગવાન વિરુદ્ધ ના જઈ શકું. મહાદેવના સમ ખાઈને કહું છું હું સમાજ સાથે વિશ્વાસઘાત ના કરી શકું. અમારું સંમેલન જે યોજાયું તેમાં અમે શિસ્ત બદ્ધ રીતે સંમેલન યોજ્યું છે. પોલીસ અને સરકારનો પણ સહયોગ રહ્યો છે. અમે ભાજપના વિરોધી નથી અમે મોદી સાહેબને ભગવાનની જેમ માનીએ છીએ. રાજા મહારાજાઓ રાજ કરતા હતા તેમ અત્યારે દેશના રાજા મોદી છે. અમે મોદી સાહેબના ચાહક છીએ. અઢારે આલમ અમારી સાથે જ અમે કોઈના વિરોધમાં નથી.
રૂપાલા ફોર્મ પાછું નહીં ખેંચે તો 20મી અમદાવાદના ગોતા ખાતે રણનીતિ ઘડવા બેઠક યોજવામાં આવશે. અમે ગઇકાલની બેઠકમાં પણ કહ્યું હતું કે રૂપાલાની ટિકિટ રદ થાય તે જ અમારી માંગ છે. જો સરકારને યોગ્ય લાગશે તો રૂપાલાને સમજાવવાના છે. ક્ષત્રિય સમાજને સમજાવવાનો નથી. આ આંદોલન માત્ર પરષોત્તમ રૂપાલા પૂરતું જ છે એ સિવાય બીજી કોઈ માંગ નથી. 19 મી સુધી કોઈ કાર્યક્રમ યોજવામાં નહીં આવે પણ જો ફોર્મ પાછું નહીં ખેંચાય તો આગામી કાર્યક્રમની રણનીતિ ઘડવામાં આવશે.
વધુમાં પી.ટી. જાડેજા કહ્યું કે ભાજપની કોઈ એ,બી અને સી ટીમ છે જ નહીં. રતનપર ખાતે પણ પાંચ લાખની મેદની ભેગી થઈ હતી એક પણ એવો બનાવ બન્યો ન હતો. કાર્યક્રમ પૂરો થયા બાદ કોઈ ઉશ્કેરાટ નહીં. બધાની એક જ વાત હતી કે રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાઈ. હું રાજકારણમાં નથી. સમાજ જ મારો પક્ષ છે. મિટિંગમાં એક જ અવાજ હતો કે રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાઈ.
ગીતાબા એ લગાવેલા આક્ષેપ પર પી.ટી. જાડેજાએ જણાવ્યું હતું કે જો રાજનીતિની વાત હોત તો કાલે અમે માની ગયા હોત. સમાધાન થઈ ગયું હોત. રૂપાલા એ ફોર્મ ભર્યું છે. તે તેનું કામ કરે છે. ફોર્મ પાછું નહીં ખેંચે તો પછી અમે અમારું કામ કરીશું. રૂપાલા એ જે ટિપ્પણી કરી છે. તે માફીને લાયક નથી એટલે સમાજમાં રોષ છે. રોષ સ્વયંભૂ છે. મારા કે હોદ્દેદારોના કહેવાથી સમાજ ભેગો નથી થયો. રાજકીય કોઈ જ માણસ અમારી સાથે નથી. રાજા મહારાજાઓ પણ સમાજ સાથે બેઠા છે.
અંતમાં પી.ટી. જાડેજાએ જણાવ્યું કે રાજકોટમાં જ નહીં ગુજરાતમાં ક્યાંય પણ રૂપાલાને ટિકિટ આપવાનું ક્ષત્રિય સમાજ સાંખી નહીં લે. તેની બદલે કોઈપણ પાટીદાર બહેન ચૂંટણી લડશે તો અમે ખોબલે ખોબલે મત આપીને જીતાડીશું.