પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના રેવદ્રા ગામમાં સરકારના આદેશ પહેલાથી જ સરકારી પ્રાથમિક શાળા ધમધમી રહી હતી. આ શાળામાં કોઈપણ પ્રકારના નિયમોનું પાલન કરવામાં આવતું ન હતું. જે અંગે મિડિયામાં અહેવાલ પ્રસારીત થતા જ શાળાના આચાર્યને નોટીસ ફટકારવામાં આવી છે.
૧૮ ફેબ્રુઆરીથી પ્રાથમિક શાળામાં માત્ર ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરૂ કરવા સરકારે આદેશ કર્યો છે. અને તે પણ એસ.ઓ.પી. માર્ગદર્શિકાના સંપૂર્ણ પાલન પ્રમાણે. પરંતુ પોરબંદર જિલ્લાની એક બિન્દાસ્ત શાળા અંગે અહેવાલ પ્રસારીત કર્યો હતો. જેમાં કુતિયાણા તાલુકાના રેવદ્રા ગામે જિલ્લા પંચાયત સંચાલીત વિવેકાનંદ વિદ્યામંદિર નામની શાળામાં ભરપુર બેદરકારી દાખવાતી હતી. ૧૮ ફેબ્રુઆરીથી પ્રાથમિક શાળામાં માત્ર છ થી આઠ ધોરણના વર્ગો શરૂ કરવાના આદેશ છે પરંતુ આ શાળામાં તો એ પહેલાના દિવસોથી જ સમગ્ર પ્રાથમિક શાળા ધમધમી રહી હતી. લગભગ નાના ભૂલકાઓથી લઈને ધોરણ ૬ થી ૮ સુધીના તમામ બાળકો અહીં નજરે ચડતા હતા. અધૂરામાં પૂરૂં હોય તેમ આ બાળકો પાસે અહીંના શિક્ષકો સફાઈકામ પણ કરાવી રહ્રાા હતા. બીજી તરફ કોવિડની ગાઈડલાઈન જેવી કે સોશ્યલ ડિસ્ટન્સ, સેનેટાઈઝીંગ સહીતનો અભાવ અહીં જોવા મળતો હતો. એટલું જ નહીં, પરંતુ શિક્ષકો અને કર્મચારીઓએ માસ્ક ફરજીયાત પહેરવાના હોય છે તે પણ આ શાળામાં જોવા મળ્યા ન હતા. તો આ અંગે એક મિડિયા ટીમે આચાર્યને સવાલો કરતા આચાર્યના જવાબો પણ વિચિત્ર મળ્યા હતા. આ સમગ્ર મામલે આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષાણ અધિકારીને આ મામલાની જાણ થઈ હતી. ત્યારે તેઓએ સમગ્ર મામલાની તપાસ કુતિયાણા ટી.પી.ઓ. ને સોંપી છે. જ્યારે શાળાના આચાર્યને પણ નોટીસ પાઠવવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં કોવિડની ગાઈડલાઈનને લઈને લોકો કેમ ગંભીરતા દાખવતા નથી. ખાસ કરીને શાળાના આચાર્ય અને સંચાલકો જ્યારે નિયમનો ઉલાળીયો કરે ત્યારે સામાન્ય માણસને તો શું સમજાવવા ? એવી ચર્ચા પોરબંદર શહેરમાં જોવા મળી રહી છે.