જાણીતા એમ.ડી. કન્સલ્ટીંગ હોમિયોપેથી દ્વારા વાયરસના ફેલાવામાં લોકોનીબેદરકારી અંગે વિગતો અપાઈ: ઓક્સિજન આપવાના પાંચ તબક્કા સમજાવાયા

કોરોના વાયરસના સંક્રમણના કેસની સંખ્યા સતત વધી રહી છે. ૧૩૯ વૈજ્ઞાનિકોએ કોરોના હવાથી ફેલાતો હોવાનો દાવો પણ કર્યો છે. ત્યારે આપણી બેજવાબદારીના કારણે કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો હોવાનું જાણીતા એમ.ડી. ડો.ચૌલાબેન લશ્કરી દ્વારા જણાવાયું હતું.

તેમણે કહ્યું હતું કે, કોરોના મહામારી હોવા છતાં લોકોના ટોળા બજારમાં ઉમટી રહ્યાં છે. પોલીસને કાર્યવાહી કરવી પડે છે, મહામારી વચ્ચે પણ લોકોને સાબુથી હાથ ધોવામાં આળસ આવે છે, સેનેટાઈઝરનો ઉપયોગ કરતા નથી, લોકો સેનીટાઈઝરનો ઉપયોગ માત્ર શોપીંગ મોલ, શો-રૂમ પુરતા જ કરે છે. ગૃહમંત્રી અમીતભાઈ શાહ તેમજ કર્ણાટક અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ ઉપરાંત મહાનાયક અમિતાભ બચ્ચનને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. સામાજિક, ધાર્મિક અને રાજકીય આગેવાનો કોરોનાના ઝપટે ચડી ગયા છે. આ આગેવાનો ભરપુર કાળજી રાખે છે છતાં પણ કોરોના થાય છે. ત્યારે સામાન્ય લોકોની બેદરકારી ગંભીર બની શકે છે.

લોકોને બે રૂપિયાનું માસ્ક પહેરવાની પણ આળસ થાય છે. લોકો બિનજરૂરી બહાર નીકળે છે. જેના પરિણામે કોરોનાને સામે ચાલીને આમંત્રણ આપતા હોયએ તેવો ઘાટ ઘડાયો છે. હાલમાં દેશમાં ૨૨ લાખ જ્યારે ગુજરાતમાં ૭૧૦૦૦ કોરોના સંક્રમણના કેસ છે. કોરોના વાયરસ ૭ અલગ અલગ સ્વરૂપનો છે અને ગુજરાતમાં જે સ્વરૂપ (જીએચ)નો વાયરસ છે તે ખુબજ ગંભીર છે. આવા ઘાતક વાયરસ વચ્ચે આપણે રહેતા હોય ત્યારે વધુ સાવચેતીની જરૂર છે. બજારમાં વેકસીન આવતા હજુ ૭ થી ૮ મહિના નીકળી જશે. ત્યાં સુધી આપણે સાવધાની રાખવી જરૂરી છે. આપણે જે સાવધાની રાખવી તે જ વેકસીન છે. સાવધાની અંગે તેમણે ઉમેર્યું હતું કે, તબીબ કહે ત્યારે હોસ્પિટલમાં દાખલ થવા તૈયાર રહેવું જોઈએ. ડોકટરની સલાહ મુજબ હોમ કવોરન્ટાઈન થવું જોઈએ, વેન્ટિલેટરમાં દર્દીને રાખવામાં આવે તો તેમના સગાઓએ એમ ન માનવું કે, સ્થિતિ ગંભીર છે. વેન્ટિલેટર મારફતે ઓક્સિજન આપવાના પાંચ તબક્કા છે.

પ્રથમ તબક્કા અંગે તેમણે કહ્યું હતું કે, આ તબક્કામાં ઓક્સિજનનું પ્રમાણ સામાન્ય માત્રા કરતા ઘટે ત્યારે નાકમાં નળી નાખીને ઓક્સિજન આપવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા ઓક્સિજનનું પ્રમાણ ૯૩ ટકા જેટલું રહે છે. બીજા તબક્કામાં ફક્ત મોં અને નાક કવર થાય તે રીતે ઓક્સિજન અપાય છે. માસ્કમાં રિઝર્વ બેલ્ટ જોડાયેલો હોય છે. ત્રીજા તબક્કામાં નાકના માધ્યમથી હાઈફલો ઓક્સિજન આપવામાં આવે છે. ઓક્સિજનનો ફલો વધુ હોય છે. જેમાં ન્યુમીડીટી પાવર હાઈફલોમાં રહે છે. આ તબક્કામાં દર્દી સભાન હોય છે. ૧૦ થી ૧૫ લીટર ફલો અપાય છે. ચોથા તબક્કામાં સ્થિતિ નિયંત્રણ બહાર ચાલી જાય ત્યારે વેન્ટિલેટરથી દર્દીને શ્ર્વાસ આપવામાં આવે છે. ૪૦ થી ૧૦૦ ટકા સુધી ઓક્સિજન પ્રેસર રાખવામાં આવે છે.

અંતમાં પાંચમાં તબક્કામાં જ્યારે દર્દી બેભાન અથવા અર્ધબેભાન અવસ્થામાં પહોંચે ત્યારે શરીરમાં ઓક્સિજન અને કાર્બન ડાયોકસાઈડના પ્રમાણમાં સંતુલન જળવાય તેવા હેતુથી ગળામાં આવેલ શ્ર્વાસ નળીમાં કાણુ પાડી તેને વેન્ટિલેટર સાથે જોડી દેવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઓક્સિજન સંપૂર્ણ રીતે વેન્ટિલેટર મારફતે અપાય છે. દર્દીને શ્ર્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે ઓક્સિજન આપવું જરૂરી છે. જગતમાં કોઈ ઘટના કાયમી નથી. કોરોના પણ ચાલ્યો જશે પરંતુ લોકો જાગૃતિ નહીં રાખે તો કોરોના ઘાતક નિવડશે. તેવું વિશ્વ આરોગ્ય સંસ્થા કહેતી હોવાનું અંતમાં ડો.ચૌલાબેન લશ્કરી દ્વારા જણાવાયું હતું

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.