વડાપ્રધાન મોદીએ રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ જાહેર કર્યું, 28 ફૂટની નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્તવ્ય પથ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. 28 ફૂટ ઉંચી આ પ્રતિમા સિંગલ ગ્રેનાઇટ પત્થરથી બનાવવામાં આવી છે. આ પછી કર્તવ્ય પથનું ઉદ્ઘાટન કર્યું હતું. કર્તવ્ય પથના ઉદ્ઘાટન પછી પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજે કર્તવ્ય પથ પર આખા દેશની નજર છે.
આજે દેશને નવી ઉર્જા અને નવી પ્રેરણા મળી છે. ગુલામીનું પ્રતિક રાજપથ આજે ઇતિહાસની વાત બની ગયો છે. આ માટે બધા દેશવાસીઓને આજે ગુલામીની વધુ એક ઓળખમાંથી મુક્તિ મળી ગઈ છે. પીએમ મોદીએ કહ્યું કે આઝાદી પછી નેતાજીના યોગદાનને ભુલાવી દેવામાં આવ્યું. દેશ જો નેતાજીએ દેખાડેલા રસ્તા પર ચાલ્યો હોત તો તસવીર કાંઇક અલગ હોત. દુર્ભાગ્યથી નેતાજીના યોગદાનને ભુલાવી દેવામાં આવ્યું.
તેમણે રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે ગુલામીના પ્રતીક કિંગ્સવે એટલે કે ’રાજપથ’ આજથી ઈતિહાસ બની ગયો છે, તેનો હંમેશને માટે અંત આવી ગયો છે. આજે કર્તવ્યપથના રૂપે નવા ઈતિહાસનું સર્જન થયું છે. આ સાથે જ તેમણે ઈન્ડિયા ગેટની પાછળ બનેલી છતરી નીચે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 28 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ અનાવરણ કર્યું. કાળા રંગના ગ્રેનાઈટ પથ્થરમાંથી નેતાજીની આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે, આ પ્રતિમા એ જગ્યાએ લાગેલી છે કે જ્યાં 23 જાન્યુઆરી 2022ના રોજ હોલોગ્રામ પ્રતિમા લગાવવામાં આવી હતી. આ જગ્યા પર વર્ષ 1939માં બ્રિટનના મહારાજા કિંગ જ્યોર્જ પંચમની એક માર્બલની મૂર્તિ લગાવવામાં આવી હતી. આઝાદી બાદ તેને હટાવી દેવામાં આવી હતી.
કર્તવ્ય પથમાં ભવિષ્યનું ભારત જોવા મળશે
પીએમ મોદીએ કહ્યું કે હું દેશના દરેક નાગરિકને આહવાન કરું છું, તમને સૌને આમંત્રણ આપું છું. આ નવનિર્મિત કર્તવ્યપથને આવીને જુઓ. આ નિર્માણમાં તમને ભવિષ્યનું ભારત જોવા મળશે. અહીંની ઉર્જા તમને આપણા વિશાળ રાષ્ટ્ર માટે એક નવું વિઝન આપશે. એક નવો વિશ્વાસ આપશે.
આજે આપણા પોતાના પથ, આપણા પ્રતીક છે
પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતના આદર્શ આપણા છે, આયામ આપણા છે. આજે ભારત પોતાના સંકલ્પ ધરાવે છે, લક્ષ્ય ધરાવે છે. આજે આપણા પથ પોતાના પથ છે, પ્રતીક આપણા છે. દેશ સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા થવા પ્રસંગે પોતાના માટે ’પંચ પ્રાણો’નું વિઝન ધરાવે છે. આ પંચ પ્રાણોમાં વિકાસના મોટા લક્ષ્યાંકોનો સંકલ્પ છે, કર્તવ્યોની પ્રેરણા છે. તેમા ગુલામીની માનસિકતાનો ત્યાગ કરવાનું આહવાન છે. આપણી વિરાસત પર ગર્વનો બોધ છે.