- ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનાં 59માં સ્થાપના દિવસ નિમિત્તે જામનગરમાં ઇન્ટર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
ગુજરાત – આયુર્વેદના જ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે છેલ્લા 59 વર્ષથી સતત કાર્યરત, વિશ્વની સૌથી પહેલી આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી આ વર્ષે પોતાનો 59 મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ ઉજવણી 5, જાન્યુઆરી, 2025 રવિવારના રોજ ક્રિકેટ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે શરૂ થઈ છે, જે તારીખ 18 જાન્યુઆરી, સુધી ક્રિકેટ ટુર્નામેન્ટ રમી ને ઊજવવામાં આવશે.
જામનગર શહેર અને રાજવી પરીવાર સાથે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના તાણાવાણા જોડાયેલા છે. જામસાહેબના માર્ગદર્શન સાથે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દેશ-વિદેશમાં પોતાના વિદ્યાર્થીઓ-શિક્ષકો-સંશોધકો દ્વારા ભારતના આ અદ્વિતીય જ્ઞાનને પ્રસરાવી રહી છે, ત્યારે યુનિવર્સિટીના સ્થાપના દિવસે આજે સવારે મુખ્ય મહેમાન તરીકે યુવરાજ અજયસિંહજી જાડેજા (ભૂતપૂર્વ ક્રિકેટર અને જામનગર રાજપરિવારના સભ્ય)એ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું હતું. પ્રથમ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પટાંગણમાં ધન્વંતરી ભગવાની મૂર્તિનું પૂજન કરીને તેમણે પ્રભુને સર્વની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
ત્યાર બાદ યુવરાજ અજયસિંહ જાડેજા એ ધન્વંતરી ક્રિકેટ ગ્રાઉન્ડ મા યુનિવર્સિટી ધ્વજનું આરોહણ કર્યું હતું . સાથે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતી ડો. મુકુલ પટેલ, કુલસચિવ ડો. અશોક ચાવડા, શારીરિક સ્વાસ્થ્ય શિક્ષણના ડાયરેક્ટર હર્ષવર્ધન ઝાલા, બોર્ડ ઑફ ગવર્નર્સના સભ્ય ડો. ભરત કલસરિયા તથા ચીફ એકાઉન્ટ ઑફિસર એમ. એન. બાદી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે ખૂબ ખ્યાતિ મેળવનાર યુવરાજ અજયસિંહ જાડેજાએ મંચ પરથી સંબોધન કરતાં પોતાની જામનગરના દિકરા તરીકે જ ઓળખાણ આપી હતી. તેમણે પોતાના બાળપણની ક્રિકેટની યાદોને તાજી કરતાં જણાવ્યું હતું. આ જ ગ્રાઉન્ડમાં અમે પણ ક્રિકેટ રમીને મોટા થયા છીએ. તમારી જેમ જ ટેનિસ બોલથી ક્રિકેટ રમતાં હતાં, અને આજે પણ અમે આ માટી સાથે જોડાયેલા છીએ. જામ સાહેબ રણજીતસિંહજી બાપુ એ જામનગરમાં ક્રિકેટના જે મૂળ નાખ્યા છે, તે હવે અમારા બધાના લોહીમાં વણાવા લાગ્યું છે. આ પ્રસંગે યુવરાજ એ પોતાના તમામ પૂર્વજો, વડીલોને યાદ કરીને આયુર્વેદ યુનિવર્સિટી સાથેનો રાજ પરિવારનો અનોખો, વર્ષો જૂનો સંબંધ પણ વાગોળ્યો હતો.
આ પ્રસંગે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. મુકુલ પટેલે પણ જામસાહેબ શત્રુશલ્યસિંહજી બાપુ સાથેના તેમના વિદ્યાર્થીકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. અને ક્રિકેટ પ્રેમ તથા આયુર્વેદ અંગેના બાપુસાહેબના પ્રેમ વિશે પણ વાત કરી હતી. તેમનું કહેવું હતું કે ’આ ક્રિકેટ ટુર્નામેન્ટ વિદ્યાર્થીઓમાં રમતગમતની ભાવના અને સૌહાર્દને પ્રોત્સાહન આપશે. ત્યાર બાદ આ ક્રિકેટ ટુર્નામેન્ટને ઔપચારિક રૂપે શરૂ કરીને યુવરાજ અજયસિંહજી જાડેજા તથા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડો. મુકુલ પટેલે ગ્રાઉન્ડ પર આવીને એક બોલની રમત રમી હતી. ડો. મુકુલ પટેલે બોલિંગ કરી હતી અને યુવરાજ એ બેટિંગ કરીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ ઉજવણીમાં સમગ્ર રાજ્યમાંથી સ્ટાફ, વિદ્યાર્થીઓ, પૂર્વવિદ્યાર્થીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે, જે આ વિશિષ્ટ અવસરને યાદગાર બનાવશે. આયુર્વેદનું મૂલ્ય અને તેના આ ભવ્ય વારસાને સામાન્ય જીવનમાં વણી લેવાના પ્રયાસ સાથે જ્યારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રતિબદ્ધ છે. ત્યારે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પણ તે જ દિશામાં આગળ વધીને પોતાના પ્રયત્નો કરી રહી છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના સ્થાપના દિન નિમિત્તે આયુર્વેદના વારસાને આગળ વધારવામાં પોતાનું યોગદાન આપનાર પૂર્વ આચાર્યો ગ્રાઉન્ડ તથા સંશોધકોને યાદ કરતાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. મુકુલભાઈ પટેલનું કહેવું છે, કે ’આયુર્વેદનું જ્ઞાન એ દરેક રીતે માનવમાત્રના જીવનમાં સમૃદ્ધિ વધારનારું સાબિત થયું છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતું, ભારત અને વિશ્વભરમાં આયુર્વેદને ધારાધોરણ પ્રમાણેના અભ્યાસના ઢાંચામાં ઢાળવામાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સર્વ પ્રથમ રહી છે. શૈક્ષણિક ક્ષેત્રે આયુર્વેદનો અભ્યાસક્રમ ગોઠવાયો, મેઇનસ્ટ્રીમ મેડીકલમાં તેનો ઉમેરો થયો. દેશ વિદેશના વિદ્યાર્થીઓ આ જ્ઞાનને મેળવવા માટે પ્રતિબદ્ધ થયા છે