ભારતે એસસીઓ સમિટ માટે જીનપિંગને આમંત્રણ આપતા ચીન તરફથી જાહેર કરાયું ડહાપણભર્યું નિવેદન
અમે પણ ભારતની જેમ યુદ્ધ નથી ઇચ્છતા તેવું ચીને જાહેર કર્યું છે. ભારતે એસસીઓ સમિટ માટે જીનપિંગને આમંત્રણ આપતા ચીન તરફથી આવું ડહાપણભર્યું નિવેદન જાહેર કરાયુ છે.
ભારતે એસસીઓ સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને સત્તાવાર આમંત્રણ મોકલ્યું છે. ચીનના ચાર્જ ડી અફેર્સ મા જિયાએ જણાવ્યું હતું કે, જો કે, એસસીઓ મીટિંગ માટે જિનપિંગ આવશે કે કેમ તે અંગેના નિર્ણયની હજુ રાહ જોવામાં આવી રહીં છે કારણ કે સમિટની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી.
ભારતે અગાઉ પ્રસ્તાવ મૂક્યો હતો કે સમિટ 25 જૂને યોજવામાં આવે પરંતુ દેખીતી રીતે હવે તે 5 જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવનાર છે. પીએમ નરેન્દ્ર મોદી 21 અને 25 જૂનની વચ્ચે યુએસના પ્રવાસે જાય તેવી શક્યતા છે. એપ્રિલ-મે 2020 માં પૂર્વી લદ્દાખમાં એલએસી પર તણાવ ફાટી નીકળ્યો ત્યારથી મોદી અને જિનપિંગની દ્વિપક્ષીય બેઠક થઈ નથી. તેઓએ ગયા વર્ષે જી20 સમિટમાં બાલીમાં હાથ મિલાવ્યા હતા અને ટૂંકી વાતચીત કરી હતી પણ બેઠક કરી ન હતી.
સરહદની સ્થિતિ વિશે બોલતા, ચીનના પ્રતિનિધીએ એવું કહ્યું કે સ્થિતિ સ્થિર પણ જટિલ છે. લશ્કરી અવરોધને ઉકેલવા માટે ચાલી રહેલી વાટાઘાટો વિશે ચીન આશાવાદી છે અને તે બંને પક્ષો યુદ્ધ કે મુકાબલો ઇચ્છતા નથી. તેઓએ ઉમેર્યું કે અમને વિશ્વાસ છે કે બંને પક્ષો યુદ્ધ ઇચ્છતા નથી. બંને પક્ષો સંબંધો સુધરવા ઇચ્છે છે. નેતાઓ અગાઉ એક મહત્વપૂર્ણ સર્વસંમતિ પર પહોંચ્યા હતા. અમે સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યથી જોઈ રહ્યા છીએ, તેણીએ સંકેત આપ્યો હતો કે યુક્રેન મુદ્દે જી-20માં સર્વસંમતિ સાધવી મુશ્કેલ હશે કારણ કે તેણીએ કહ્યું હતું કે બાલી જી20 પછી પરિસ્થિતિ “ગંભીર” બની છે.