રાજયોનાં મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં વડાપ્રધાન મોદીએ લોકડાઉનના કડક અમલ અને જરૂરયાતો વિશે પૃચ્છા કરી: આરોગ્ય વિભાગની તકેદારી રાખવાની સૂચનાઓનું પાલન કરવા નાગરિકોને અપીલ
કોરોના સામેની લડતમાં અગ્રેસર રહી દેશને બચાવવા પ્રયાસો કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે રાજયોનાં મુખ્યમંત્રીઓ સાથે વીડીયો કોન્ફરીંગથી વાતચીત કરી જણાવ્યું હતુ કે કોરોના સામેના જંગમાં આપણે સૌએ સાથે મળીને લડવાનું છે. તેમણે રાજયોમાં લોકડાઉનનો કડક અમલ કરાવવા અને રાજયોમાં લેવાઈ રહેલા આરોગ્ય અને તકેદારીના પગલાની વિગતો મેળવી હતી અને જરૂરીયાતો વિશે પણ પૃચ્છા કરી હતી.
વડાપ્રધાને આજે સવારે દેશના રાજયોનાં મુખ્યમંત્રીઓ સાથે વીડીયો કોન્ફરન્સથી વાતચીત કરી કોરોનાને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલ પગલાની જાણકારી આપી હતી. તેમણે સામાન્ય લોકો માટે જરૂરી ખાધાન્ય સહિતની વસ્તુઓનાં વિતરણ માટે ગોઠવાયેલી વ્યવસ્થા અંગે જાણકારી આપી હતી રાજયોના લોકડાઉનના કડક અમલ કરવા માટે પણ અપીલ કરી જણાવ્યું હતુ કે જે રાજયોમાં તબલીગી જમાતનાં લોકો દિલ્હી ગયા હતા. તે તમામને તુરત જ હોસ્પિટલમાં દાખલ કરાવવા અને તેના જરૂરી પરીક્ષણ કરાવવામાં આવે. વડાપ્રધાને રાજયોમાં કોરોના સામે લડવા શરૂ કરાયેલી આરોગ્ય સેવાઓ, તકેદારી અંગે જાણકારી મેળવી હતી. તેમણે સંકટની ક્ષણોમાં કેન્દ્ર સરકાર અને રાજય સરકારો વચ્ચે વધુમાં વધુ તાલમેલ રાખવા પણ અનુરોધ કર્યો હતો.
કોરોનાથી બચાવ અંગેની ટિપ્સ આપતા તેમણે જણાવ્યું કે આરોગ્યને લગતી કેટલીક વાતો છે. તેને તમે જીવનનો એક ભાગ બનાવી દયો અને તેથી તમારા પરિવાર, આસપાસના લોકોને સમજણ આપો. વડાપ્રધાને ટવીટ કરીને આરોગ્ય વિભાગની કેટલીક સુચનાઓ ફોટોગ્રાફ સાથે મૂકી હતી. કોરોનાના સમયમાં કેવી રીતે સાર સંભાળ રાખવી? કેવી રીતે બચવું તે અંગેના કેટલાક આયુર્વેદીક ઉપાયો પણ બતાવ્યા હતા.
વડાપ્રધાને આપી ટિપ્સ ‘આખું વર્ષ ગરમ પાણી પીઓ’
વડાપ્રધાને આજે રાજયોનાં મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં રોગચાળાથી બચવા અને આરોગ્ય જાળવી રાખવા માટે રોગપ્રતિકારક શકિત વધારવાની ટિપ્સ આપી હતી. તેમણે જણાવ્યું કે આરોગ્ય મંત્રાલયે વધારે સારી તંદુરસ્તી અને રોગપ્રતિકારક શકિત વધારવા માટે સૂચનો કર્યા છે. તેનો અમલ કરજો આમાથી કેટલાક ઉપાયો સહેલા છે. હું તંદુરસ્ત અને ચુસ્ત રહેવા માટે વર્ષોથી આખું વર્ષ એટલે કે દરરોજ ગરમ કરેલુ પાણી જ પીવું છું.