આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરનું અવતરણ, સ્માર્ટ સિટી તરીકે રાજકોટની પસંદગી, રેસકોર્સ-૨, અટલ સરોવર, દિવાળી કાર્નિવલ અને મહાત્મા ગાંધી અનુભૂતી કેન્દ્રની ઐતિહાસિક સિદ્ધિઓ.
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તરીકે બંછાનિધી પાનીએ ગત ૨૩મી સપ્ટેમ્બરના રોજ બે વર્ષ પૂર્ણ કર્યા છે. કમિશનર તરીકે બે વર્ષના કાર્યકાળ દરમિયાન તેઓએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજકોટના ઈતિહાસમાં કોઈપણ મ્યુનિસિપલ કમિશનરના કાર્યકાળમાં દેશના વડાપ્રધાન બે વખત રાજકોટની મુલાકાતે આવ્યા હોય તેવું ભુતકાળમાં કયારેય બન્યું નથી પરંતુ બંછાનિધી પાની આ નવી જ સિદ્ધિ હાંસિલ કરવા જઈ રહ્યા છે. બે વર્ષના કાર્યકાળ દરમિયાન રાજકોટની પસંદગી સ્માર્ટ સિટીમાં થવી તે સૌથી મોટી સિદ્ધિ ગણાવી શકાય.
તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના અનુગામી તરીકે ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ રાજકોટ મહાપાલિકાની ૨૮માં કમિશનર તરીકે બંછાનિધી પાનીએ કાર્યભાર સંભાળ્યો હતો ત્યારે તેઓની સામે અનેક પડકારો થતા બે-બે વખત પ્રયત્ન છતાં રાજકોટની પસંદગી કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટીમાં કરવામાં ન આવતા સ્માર્ટ સિટીમાં પસંદગી થાય તે સૌથી મોટો પડકાર માનવામાં આવી રહ્યો હતો. બંછાનિધી પાનીના કાર્યકાળમાં રાજકોટની પસંદગી કેન્દ્ર સરકાર દ્વારા ત્રીજા ચરણમાં સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવી હતી જે એક અનેરી સિદ્ધિ ગણાવી શકાય.
રાજકોટની જળ કટોકટીને કાયમી ધોરણે દેશવટો આપવા માટે રાજય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરથી કાયમી આજીડેમને ભરેલો રાખવાના મહત્વાકાંક્ષી પ્રોજેકટને પણ મંજુરી આપી હાલ આજી ડેમમાં નર્મદાના નીર હીલોરા લઈ રહ્યા છે. આ ઉપરાંત રાજકોટવાસીઓને હળવા-ફરવા માટે એક શ્રેષ્ઠ સ્થળ મળી રહે તે માટે રેસકોર્સ-૨ અને અટલ સરોવરની ભેટ મળી જે એક સ્વર્ણિમ સિદ્ધિ છે. રંગીલા અને તહેવારપ્રેમી રાજકોટવાસીઓ દિવાળીના તહેવારનો બેવડો આનંદ ઉઠાવી શકે તે માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા ગત દિવાળીના તહેવારની શહેરમાં દિવાળી કાર્નિવલ શરૂ કર્યો છે.
આટલું જ નહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જયાં અભ્યાસ કર્યો હતો તે આલ્ફેડ હાઈસ્કુલમાં રૂ.૨૬ કરોડના ખર્ચે મહાત્માગાંધી અનુભૂતિ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિશ્ર્વકક્ષાના આ અનુભૂતિ કેન્દ્રનું આગામી ૩૦મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. બંછાનિધી પાની શહેરના એવા પ્રથમ મ્યુનિસિપલ કમિશનર બની રહેશે જેના કાર્યકાળમાં દેશના વડાપ્રધાને બે-બે વખત રાજકોટની મુલાકાતે આવ્યા હોય અને બેનમુન પ્રોજેકટોનું લોકાર્પણ કર્યું હોય.