મેઘરાજાને મન મુકીને હેત વરસાવવા રાજકોટવાસીઓ વિનવી રહ્યાં છે…

48 વર્ષના ઈતિહાસમાં રાજકોટમાં 2019માં રેકોર્ડબ્રેક 61 ઈંચ વરસાદ વરસ્યો હતો!

પાંચ દાયકામાં માત્ર 6 વખત જ શહેરમાં 50 ઈંચથી વધુ વરસાદ: સ્થાનિક જળ સ્ત્રોત ન વધ્યા પરંતુ નર્મદા મૈયાના કારણે રાજકોટની જળ જરૂરીયાત સતત પરિપૂર્ણ થઈ રહી છે

શ્રાવણ માસ અડધો વિતવા પર છે છતાં રાજકોટમાં માત્ર 23 ઈંચ જેટલો જ વરસાદ વરસ્યો છે. શહેરની જળ જરૂરીયાત સંતોષતા એકપણ જળાશયમાં સંતોષકારક આવક થવા પામી નથી. ભરચોમાસે જુલાઈ માસમાં આજી અને ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવવા પડ્યા હતા. બીજી વખત આવી પરિસ્થિતિ સામે આવીને ઉભી છે. મેઘરાજાને મન મુકી હેત વરસાવવા માટે રાજકોટવાસીઓ વીનવી રહ્યાં છે. ત્યારે અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, છેલ્લા 48 વર્ષમાં રાજકોટમાં સૌથી વધુ વરસાદ વર્ષ 2019માં રેકોર્ડબ્રેક 61 ઈંચ જેટલો પડ્યો હતો. 5 દાયકામાં માત્ર 6 વખત એવું બન્યું છે કે, મેઘરાજાએ રાજકોટને તરબોણ કરી દીધું હોય અને 50 ઈંચથી વધુ પાણી વરસાવ્યું હોય. આજે સ્થિતિ કંઈક અલગ છે. જો મેઘરાજા નહીં રીઝે તો રાજકોટવાસીઓએ જળ કટોકટીનો સામનો કરવો પડે તેવી દહેશત પણ સામે મોઢુ ફાડીને ઉભી છે.

કોર્પોરેશનના રેકોર્ડ પર 1974થી લઈ 2020 સુધી શહેરમાં ક્યાં વર્ષે ચોમાસાની સીઝનમાં કેટલો વરસાદ વરસ્યો તેની નોંધ કરવામાં આવી છે. પાંચ દાયકાના રેકોર્ડ પરથી એવું સ્પષ્ટ જણાય રહ્યું છે કે, શહેરમાં ચોમાસુ દર વર્ષે અનિયમીત જેવુ રહે છે. 2019માં રાજકોટમાં 48 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ 61 ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે.

ગત વર્ષે પણ મેઘરાજાએ સારૂ એવું હેત વરસાવ્યું હતું અને અંદાજે 45 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. માત્ર 6 વખત એવું બન્યું છે કે, શહેરમાં 50 ઈંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો હોય. સૌપ્રથમ વર્ષ 1979માં 53 ઈંચ પાણી પડ્યું હતું. ત્યારબાદ 28 વર્ષના વહાણા વીતી ગયા બાદ વર્ષ 2007માં 52.68 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. 2010માં મેઘરાજાએ એક નવો જ વિક્રમ પ્રસ્થાપિત કરતા રાજકોટમાં 55.50 ઈંચ જેટલું પાણી વરસાવી દીધું હતું. જ્યારે 2017માં 51.70 ઈંચ વરસાદ પડ્યો હતો. 2019માં સૌથી વધુ 61 ઈંચ જેટલું પાણી પડતા શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. એક તબક્કે શહેરીજનો મેઘરાજાને ખમૈયા કરવા રીતસર વિનવવા લાગ્યા હતા.

આ વર્ષે કંઈક અલગ સ્થિતિનું નિર્માણ થયું છે. નૈઋત્યના ચોમાસાના વહેલા આગમન બાદ મેઘરાજાએ મોઢુ ફેરવી લેતા ભરચોમાસે શહેરની જળ જરૂરીયાત સંતોષતા જળાશયોમાં બીજી વખત નર્મદાના નીર ઠાલવવા પડે તેવી સ્થિતિ આવીને સામે ઉભી છે. પાંચ દાયકામાં રાજકોટનો બેસુમાર વિકાસ થયો છે. આસપાસના અનેક ગામોને રાજકોટ મહાનગરપાલિકાની હદમાં સમાવિશ્ટ કરી દલેવામાં આવ્યા છે જેની સામે જળસ્ત્રોતનો વ્યાપ વધ્યો નથી. જો કે, રાજય સરકારની દુરંદેશીના કારણે નર્મદાના નીર રાજકોટને પર્યાપ્ત માત્રામાં મળી રહ્યાંના કારણે પાણીની હાડમારી ઉભી થતી નથી પરંતુ જે રીતે શહેરનો વિકાસ અને વિસ્તાર વધી રહ્યો છે તે જોતા હવે નવા જળાશયો બનાવવા પણ ખુબજ જરૂરી છે.

1987માં માત્ર 7.43 ઈંચ જ વરસાદ વરસ્યો હતો

સતત 2 વર્ષ નબળા જતાં રાજકોટમાં ટ્રેનથી પાણી મંગાવવું પડ્યું’તુ

રાજકોટમાં સૌથી વધુ વરસાદ વર્ષ 2019માં 61 ઈંચ જેટલો વરસ્યો હતો જ્યારે સૌથી ઓછો વરસાદ 1987માં માત્ર 7.43 ઈંચ જેટલો જ પડ્યો હોવાનું નોંધાયું છે. 1986માં પણ માત્ર 8 ઈંચ જેટલો જ વરસાદ વરસતા શહેરની જળ જરૂરીયાત સંતોષવા માટે ટ્રેન દ્વારા પાણી મંગાવવાની ફરજ પડી હતી. 1974માં પણ રાજકોટમાં માત્ર 8 ઈંચ વરસાદ વરસ્યો હતો. 1985 થી સતત ત્રણ વર્ષ ચોમાસાની સીઝન ખુબજ નબળી રહેવા પામી હતી. રાજકોટવાસીઓએ રીતસર હિજરત કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. 47 વર્ષના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો શહેરમાં ચોમાસુ ખુબજ અનિયમીત રહ્યું હોવાનું કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી. ક્યારેક મેઘરાજા રીઝે તો શહેરને જળબંબાકાર કરી દે અને ક્યારેક રૂષણા રાખે તો રાજકોટવાસીઓએ હિજરત કરવી પડે તેવી સ્થિતિમાં પણ મુકી દે છે. 21મી સદીના આરંભ બાદ નજર કરવામાં આવે તો 2001માં 15.14 ઈંચ, 2002માં 13 ઈંચ, 2012માં પણ 19 ઈંચ અને 2018માં 22.4 ઈંચ વરસાદ વરસ્યો હતો.

રાજકોટનો વ્યાપ અને વિસ્તારને જોતા સ્થાનિક જળ સ્ત્રોત વધારવા ખુબજ જરૂરી

રાજકોટ મહાનગરપાલિકાની હદમાં છેલ્લા અઢી દાયકામાં આસપાસના 10 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ગામોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની જવાબદારી મહાપાલિકાના શીરે આવી છે પરંતુ તેની સામે શહેરમાં સ્થાનિક જળ સ્ત્રોતમાં કોઈ જ વધારો થયો નથી. જેના કારણે સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ હવે નર્મદાના નીર પર નિર્ભર બની ચૂક્યું છે. જે રીતે શહેરનો વ્યાપ અને વિસ્તાર વધી રહ્યો છે તેને નજર સમક્ષ રાખતા હવે આગામી દિવસોમાં જળ સ્ત્રોત પણ વધારવાની તાતી જરૂરીયાત ઉભી થશે. જો આ માટે ગંભીર વિચારણા કે આયોજન કરવામાં નહીં આવે તો શહેરના વિકાસ પર મોટી અસર થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.