આજીથી ગ્રીનલેન્ડ તરફ આવતી પાઈપલાઈનમાં ફલોમીટર ફીટ કરવાની કામગીરી સબબ વોર્ડ નં.૪ અને ૫માં વિતરણ બંધ

રાજકોટવાસીઓના નશીબમાં જાણે કાયમી પાણી સુખ લખ્યું ન હોય તેવું લાગી રહ્યું છે. મહાપાલિકા દ્વારા આવતીકાલે મંગળવારે શહેરના સામાકાંઠા વિસ્તારમાં બે વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત આજે કરવામાં આવી છે.

વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવ્યા અનુસાર આજીથી ગ્રીનલેન્ડ તરફ આવતી ૬૦૦ એમ.એમ. ડાયાની ઈનલેટ પાઈપલાઈનમાં ફલોમીટર ફીટ કરવાનું હોવાથી ગ્રીન લેન્ડ પમ્પીંગ સ્ટેશન પરથી જયાં પાણી વિતરણ કરવામાં આવે છે તે વોર્ડ નં.૪ (પાર્ટ) અને વોર્ડ નં.૫ (પાર્ટ)માં આવતીકાલે તા.૨૩ને મંગળવારના રોજ પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.

એપ્રિલથી ઉપાધી: વધુ નર્મદાના નીરની માંગણી

અપુરતા વરસાદના કારણે જળાશયોમાં સંતોષકારક પાણીની આવક થવા પામી ન હોવાના કારણે એપ્રિલથી પાણીની ઉપાધી શરૂ થઈ જશે. આવામાં વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે મહાપાલિકા દ્વારા રાજય સરકાર સમક્ષ ખંભાળા-ઈશ્વરીયા લાઈન મારફત વધુ ૪૦ એમએલડી નર્મદાના નીરની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરથી આજીડેમમાં પાણી ઠલવાઈ રહ્યું છે બીજી તરફ ભાદરમાં આવતા વર્ષે ચોમાસા સુધી ચાલે તેટલું પાણી છે. ન્યારી ડેમ એપ્રિલમાં ડુકી જાય તેવી સ્થિતિમાં હોય ત્યારે ન્યુ રાજકોટમાં નિયમિત પાણી વિતરણ માટે એપ્રિલથી ખંભાળા-ઈશ્વરીયા લાઈન મારફત રાજકોટને વધુ ૪૦ એમએલડી નર્મદાનું પાણી આપવાની માંગણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.