ઉનાળાની સિઝનમાં પાણીની અછત ઉદભવે નહિ, પાણી કાપ ન આવે, પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય નહી તે હેતુસર, આજી-1 ડેમ માટે 1800 એમ.સી.એફ.ટી. તથા ન્યારી-1 માટે 600 એમ.સી.એફ.ટી. નર્મદા નીરની માંગણી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારમાં કરવામાં આવી હતી. જેના અનુસંધાને સરકાર દ્વારા નર્મદા પાણીની માંગણી ખુબ જ ટુંકા સમયગાળામાં મંજુર કરી, પાણીની ફાળવણી કરી છે. આજી-1 ડેમ ખાતે નર્મદા મૈયાના નીરનું આગમન થયું છે. જેને મહાપાલિકાના પદાધિકારીઓ હર્ષભેર આવકાર્યા છે.

રાજકોટ કોર્પોરેશનના પદાધિકારીઓ અને ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે નર્મદાના નીરને આવકાર્યા

હાલ, આજી-1 ડેમની જથ્થા સંગ્રહ સપાટી 29 ફૂટ સામે, આજી-1 ડેમમાં 20.57 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આજી-1 ડેમમાં વિશેષ માંગણી મુજબનો 1800 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો તબક્કાવાર જમા થયેથી આગામી ચોમાસા સુધી પાણી વિતરણ વ્યવસ્થા ચાલુ રાખી શકાય તેમ છે.

આગામી સમયમાં, શહેરીજનોને પાણીની સમસ્યા ન ઉદભવે તે માટે આગોતરૂ આયોજન કરી, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારશ્રી પાસે નર્મદા નીર આપવા માંગણી કરતા, રાજકોટ મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ચાલુ માસ દરમ્યાન તેમજ આગામી સમયમાં, આજી-1 ડેમ માટે તબક્કાવાર 1800 એમ.સી.એફ.ટી. તથા ન્યારી-1 માટે 600 એમ.સી.એફ.ટી. મળી કુલ 2400 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો નર્મદા નીર દ્વારા તબક્કાવાર પુરો પાડવામાં આવનાર છે. જે મુજબ આજી-1 ખાતે નર્મદા નીરનું આગમન થયેલ છે. જેના વધામણા કરવા માટે આજી-1 ડેમ સાઈટ ખાતે રાજકોટ મહાનગરપાલિકા મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડિયા તથા રાજકોટ મહાનાગરાપાલિકાના વોટર વર્કસ વિભાગના સિટી એન્જીનીયર કે.પી.દેથરિયા તથા અન્ય અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શાસકો શહેરીજનોને નિયમિત 20 મિનિટ પાણી પુરૂ પાડવા સતત પ્રયત્નશીલ અને કાર્યરત છે. આગામી ચોમાસાની ઋતુમાં પણ મેઘરાજાની મોડી પધરામણી થાય તો તેવા સંજોગોમાં પણ પાણી પૂરવઠો જળવાઈ રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના શાસકો સતત પ્રયત્નશીલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.