ધોળીધજાથી મૂળી, થાન, મચ્છુ-1 અને ત્રંબા ત્રિવેણી સંગમ થઇ નર્મદા મૈયા આજીએ પહોંચશે

વરસાદ ખેંચાતા હવે શહેરની જીવાદોરી સમાન આજી ડેમ ડૂકવા ભણી છે. શહેરીજનોને પીવાના પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા આગોતરૂ આયોજન કરી રાજ્ય સરકાર પાસે જુલાઇ માસમાં આજીમાં સૌની યોજના અંતર્ગત 180 એમસીએફટી નર્મદાનું પાણી ઠાલવવાની માંગણી કરવામાં આવી હતી. જેનો સરકાર દ્વારા સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. કાલે સવારે 8:00 કલાકે બે પંપ દ્વારા સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમથી નર્મદાનું પાણી છોડવામાં આવશે. જે મૂળી, થાન, મચ્છુ-1 અને ત્રંબા પમ્પીંગ સ્ટેશન થઇ બે દિવસમાં એટલે કે ગુરૂવારે સાંજ સુધીમાં આજી ડેમમાં પહોંચી જશે.

આ અંગે સિંચાઇ વિભાગ અને મહાપાલિકાના ઇજનેરી સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાલ વરસાદ ખેંચાતા રાજ્ય સરકાર સમક્ષ જુલાઇ માસમાં આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત 180 એમસીએફટી પાણી ઠાલવવાની માંગણી કરવામાં આવી હતી. જેના કારણે ઓગસ્ટ માસ સુધી ડેમમાં પર્યાપ્ત માત્રામાં પાણીની આવક ન થાય તો પણ રાજકોટવાસીઓએ પીવાના પાણીની હાડમારી વેઠવી ન પડે. દરમિયાન સરકાર દ્વારા કોર્પોરેશનની માંગણીનો સ્વિકાર કરવામાં આવ્યો છે. આવતીકાલે સવારે 8 કલાકે સુરેન્દ્રનગર નજીક આવેલા ધોળીધજા ડેમ ખાતેથી બે પંપ દ્વારા આજી ડેમ તરફ સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી રવાના કરવામાં આવશે. જે મૂળી પમ્પીંગ સ્ટેશન, થાન પમ્પીંગ સ્ટેશન, મોરબીના મચ્છુ-1 ડેમ પમ્પીંગ સ્ટેશન પર પહોંચશે ત્યાંથી ત્રણ પંપ દ્વારા આ પાણી ત્રંબા નજીક આવેલા પમ્પીંગ સ્ટેશન તરફ રવાના કરવામાં આવશે. ત્રંબા ત્રિવેણી સંગમ ખાતે પાણી પહોંચ્યા બાદ નદીના વહેણમાં પાણી છોડી દેવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતાં આશરે 48 કલાક જેટલો સમય પસાર થઇ જશે. મોડામાં મોડું ગુરૂવારે સાંજ સુધીમાં આજી ડેમમાં નર્મદાના નીર પહોંચી જશે.

અત્રે ઉલ્લ્લેખનીય છે કે જાન્યુઆરી માસમાં પણ સૌની યોજના અંતર્ગત 700 એમસીએફટી પાણી આજી ડેમમાં ઠાલવવામાં આવ્યું હતું. 2017થી ડેમમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. આજી અને ન્યારીમાં સૌની યોજના અંતર્ગત જે પાણી આપવામાં આવ્યું છે તેનો દર, બાકી રકમ પરનું વ્યાજ અને પેનલ્ટી સહિત કોર્પોરેશનને 105 કરોડ ચૂકવવા માટે સૌની યોજનાના કાર્યપાલક ઇજનેર દ્વારા બીલ મોકવામાં આવ્યું હતું. આ કદાવર બીલની રકમ બાકી હોવા છતાં સરકારે વધુ એક વખત મોટું મન રાખી રાજકોટને 180 એમસીએફટી પાણી આપવાની મંજૂરી આપી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.