મોરબી : ‘હર ઘર જલ’ એટલે કે નિયમિત અને લાંબા ગાળાના આધારે દરેક ઘરને ખાતરીબદ્ધ નળ દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવાના લક્ષ્યને હાંસલ કરવા માટે ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના રાષ્ટ્રીય જલ જીવન મિશને વર્ષ 2021-22 માટે જલ જીવન મિશન હેઠળ રૂ. 3410.61 કરોડની ગ્રાન્ટ ગુજરાત રાજ્યને ફાળવી છે. આમાંથી રૂ. 852.65 કરોડનો પહેલો ભાગ છૂટો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પાણી પુરવઠા માટે ગુજરાત રાજ્યને ગ્રાન્ટ ફાળવણીમાં ચાર ગણા વધારાને મંજૂરી આપી હતી. વર્ષ 2019-20 માટે કેન્દ્ર સરકારની ફાળવણી રૂ. 390.31 કરોડ હતી જેને 2020-21માં વધારીને રૂ. 883.08 કરોડ કરવામાં આવી હતી.
ગામોમાં વસતા લોકોનું ખાસ કરીને મહિલાઓ અને કન્યાઓનું જીવન સુધરે એ માટે 2024 સુધીમાં દરેક ગ્રામીણ ઘરને નળ મારફતે પીવાનું પાણી પહોંચાડવાનું સુનિશ્ચિત કરવા પ્ર્ધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15મી ઑગસ્ટ, 2019ના રોજ, જીવન બદલી નાખતી ‘જલ જીવન મિશન-હર ઘર જલ’ યોજના શરૂ કરી હતી. ગુજરાતમાં 2020-21 દરમ્યાન, 10.94 લાખ ગ્રામીણ ઘરોને પાણીનાં નળ જોડાણો પૂરાં પડાયાં હતાં અને 2021-22માં પણ રાજ્ય 10 લાખથી વધારે ઘરોને પાણીનાં નળ જોડાણો પૂરાં પાડવાંની યોજના ધરાવે છે. ગુજરાતમાં 92.92 લાખ ગ્રામીણ ઘરો છે એમાંથી હવે 77.21 લાખ (83%) ઘરોમાં પાઇપ દ્વારા પાણી પુરવઠો છે.
ગુજરાતમાં 18 હજાર ગામોમાંથી, 6700થી વધારે ગામોમાં દરેક ઘરમાં નળ દ્વારા પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. 2020-21માં દરેકે દરેક ઘરને પાણીનું કાર્યરત નળ જોડાણ પૂરું પાડીને આશરે 5900 ગામોને ‘હર ઘર જલ’ બનાવાયાં છે. રાજ્યના 5 જિલ્લાઓમાં દરેક ગ્રામીણ ઘર પાસે નળ પાણી પુરવઠો છે.રાષ્ટ્રીય જલ જીવન મિશન દ્વારા મંજૂર કરાયેલી રાજ્યની વાર્ષિક કાર્ય યોજના મુજબ વધુ 18 જિલ્લાઓ અને વધુ 6400 ગામોને નળ મારફત પાણી પુરવઠાનું 100% કવરેજ હશે. આગામી જૂજ મહિનાઓમાં ગુજરાતના 12 હજારથી વધુ ગામો અને 23 જિલ્લાઓ ‘હર ઘર ગામો’ બની જશે, એટલે કે દરેક ઘરમાં પાણી પુરવઠો નળ મારફત આવશે.
શાળાઓ, આંગણવાડી કેન્દ્રો અને આશ્રમ શાળાઓમાં પાણીનાં નળ જોડાણો પૂરાં પાડવા માટે 2020ની બીજી ઑક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા 100 દિવસના અભિયાન હેઠળ રાજ્ય સરકારે તમામ 29,754 ગ્રામીણ શાળાઓ અને 42,279 આંગણવાડી કેન્દ્રોમાં પાણીનાં નળ જોડાણ સુનિશ્ચિત કર્યાં હતાં. 98.5% શાળાઓ અને આશરે 91% આંગણવાડી કેન્દ્રોમાં તેણે હાથ ધોવાની સુવિધાઓ પણ પૂરી પાડી હતી. આ અભિયાન અને એના સફળતાપૂર્વકના અમલીકરણે એ સુનિશ્ચિત કર્યું છે કે તમામ શીખવાના અને ડે કેર કેન્દ્રોમાં આપણા બાળકોને હવે સલામત પાણી ઉપલબ્ધ છે અને આ રીતે એમના વધુ સારા આરોગ્ય, સુધારેલ સ્વાસ્થ્ય સ્વચ્છતા અને ચોખ્ખાઇ સુલભ બની છે.તેમ એક યાદીમાં જણાવાયું છે.