ભાવનગર શહેર અને જીલ્લામાં આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછુ રહેતા ખેડૂતોને તેના ખેતીના પાક માટે પાણીની તંગી પડી રહી છે.જેના કારણે પાલીતાણા-તળાજા-મહુવા અને ભાવનગરના ખેડૂતોને ખેતીના પાક માટે પાણી મળી રહે તે માટે કરવામાં આવેલી રજુઆતના પગલે આજે તંત્ર દ્વારા ડાબી અને જમણી કેનાલમાંથી પાણી છોડવાનો પ્રારંભ કર્યો છે. આ તકે ભાજપ-કોંગ્રેસ ભૂલી જઈ અને બંને વિસ્તારના ધારાસભ્યો ત્યાં હાજર રહ્યા હતા અને ખેડૂતોને આ કેનાલના પાણીથી પુરતો ફાયદો થશે તેમ જણાવ્યું હતુ.
ભાવનગર જીલ્લામાં આ વર્ષે વરસાદ ઓછો પડતા તાલુકા મથકો પરના ખેડૂતોના ઉભા પાક સુકાય રહ્યા છે.અપૂરતા વરસાદના કારણે જમીનમાં પણ પુરતું પાણી ના હોય જેથી ખેડૂતોના ઉભા પાક નિષ્ફળ જાય તેવી ભીતિને કારણે ખેડૂતો દ્વારા સ્થાનિક ધારાસભ્યોને આ બાબતે રજૂઆત કરી શેત્રુંજી ડેમની કેનાલ મારફતે પાણી આપવા અંગેની માંગ કરી હતી.આ માંગની યોગ્ય રજુઆતના પગલે સરકારે શેત્રુંજી ડેમમાંથી ખેડૂતોને કેનાલ મારફતે પાણી આપવાનું કહેતા આજે શેત્રુજી ડેમની ડાબી તથા જમણી કેનાલ માંથી પાણી છોડવાનો પ્રારંભ થયો છે. એક મહિના સુધી આ ડેમમાંથી કેનાલ મારફતે પાણી આપવામાં આવશે અને જેમાં રોજનું ૧૦૦ કયુસેક પાણી છોડવામાં આવશે.આજે પ્રથમ દિવસે ૫૦ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ તકે ભાજપ-કોંગ્રેસ ભૂલી જઈ અને પાલીતાણા-તળાજાના ધારાસભ્યો ભીખાભાઈ બારૈયા તેમજ કનુભાઈ બારૈયા ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.
ડેમ અધિકારીના જણાવ્યું મુજબ સરકારમાંથી સુચના મળતા ભાવનગર શહેર માટે પીવાના પાણીનો જથ્થો અનામત રહે તેવી રીતે હાલ ડાબી-જમણી કેનાલમાં ૧૦૦-૧૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
હાલની અપૂરતા વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ ખરાબ બની છે.જેથી સરકારમાં કરેલી રજૂઆત બાદ સિંચાઈ મંત્રી અને મુખ્યમંત્રી દ્વારા તાકીદે આ વિસ્તારના ખેડૂતો માટે પાણી આપવાની માંગને સ્વીકરી છે તે બદલ ખેડૂતોમાં ખુશી છવાય છે.જેનાથી ઉભો સુકાય રહેલો પાક બચી જશે તેમજ ડુંગળીના વાવેતરમાં પણ ફાયદો થશે તેમજ પશુઓ માટે લીલું ઘાસ પણ ઉપલબ્ધ બનશે.હાલ સુકા ઘાસના ભાવ પણ આસમાને હોય ત્યારે સરકારનું આ પગલું અને પક્ષાપક્ષી થી દુર રહી અને ખેડૂતોના હિતમાં લેવાયેલો આ નિર્ણય ને ખેડૂતોએ આવકાર્યો છે.
આખરે જનતાના પ્રતિનિધિઓ એક બની જયારે ખેડૂતોના હિત માટે નેક કામ કરી રહ્યા છે જેને આવકાર મળી રહ્યો છે અને સદૈવ હિતકારી કાર્યો કરે તેવી લોકો આશા કરી રહ્યા છે.