કંકાવટી નદીમાં સૌની યોજનાનું પાણી છોડવા જિ.પં.ના પૂર્વ ઉપ પ્રમુખની માંગ
જિલ્લામાં ચોમાસાની ઋતુના પ્રારંભમાં સારો વરસાદને લઇને જિલ્લામાં પાકનું 3,47,487 હેકટર જમીનમાં જુદા જુદા 14 પાકોની વાવણી થઇ છે. ચાલુ વર્ષે અનિયમિત અને ઓછા વરસાદના કારણે ખેડૂતો ચિંતીત થયા છે અને હાલ જિલ્લામાં વરસાદ ખેંચાતા જ 30 ટકા જેટલો પાક નિષ્ફળ જાય તેવી સંભાવના સેવાઇ રહી છે. ચોમાસા પાકની 3,47,497 હેકટર જમીનમાં વાવણી થઇ છે.
જેમાં સૌથી વધુ વાવેતર મગફળીનું 1,84,089 અને કપાસનું 1,29,356 હેકટર જમીનમાં વાવણી થઇ છે. જ્યારે બાજરીનું ધ્રોલમાં 3 હેકટરમાં સૌથી ઓછુ વાવેતર થયું છે. તુવેરનું 2016, મગનું 2191, મઠનું 12, અડદનું 3316, તલનું 2492, દિવેલા 3781, સોયાબીનનું 752, ગુવારનું 30, શાકભાજીનું 4538, ઘાસચારાનું 11,517 અને અન્ય પાકોનું 3394 હેકટર જમીનમાં વાવેતર થયું છે.સૌથી વધુ વાવેતર કાલાવડ તાલુકામાં 80292 અને સૌથી ઓછુ જોડિયા તાલુકામાં 32829 હેકટરમાં વાવેતર થયું છે. જ્યારે ચાલુ વર્ષે વરસાદ ઓછો પડયો છે અને હાલ પણ વરસાદ ખેંચાયો છે. વરસાદ ખેંચાતા જગતનો તાત ચીંતામાં મુકાયો છે.
ચાલુ વર્ષે ઓછા અને અનિયમિત વરસાદના કારણે કરાયેલા વાવેતરને નુકસાન પહોંચ્યું છે. જિલ્લામાં વરસાદ ખેંચાતા ઉભા પાક ફેઇલ જવાનો ભય સર્જાયો છે. ત્યારે પુરવઠા તંત્રએ ઉચ્ચકક્ષાના આદેશ બાદ વધારાનું પાણી જામનગર તાલુકાના સસોઇ, ઉંડ-1, વોડીસાંગ અને ફુલઝર-1માંથી તેમજ જોડિયાના આજી-4 અને ધ્રોલના આજી-3 ડેમમાંથી ઉભા પાકને બચાવવા માટે પાણી છોડવામાં આવ્યું છે.વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાગ્રસ્ત હોય જેથી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઇ રાઠોડએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી સૌની યોજના હેઠળ કંકાવટી નદીમાં પાણી છોડવા માંગ કરી છે.
જો ઊંડ-1 ડેમમાં સૌની યોજનાનું પાણી નાખીને તેમાંથી રણજીતસાગર ડેમ ભરવા માટે મુકેલ વાલ્વ સુધીના તમામ વાલ્વ દ્વારા વોંકળા અને નદીઓ મારફત પાણી છોડીને ચેકડેમ ભરવાથી હજારો વીઘા જમીનમાં વાવેતર કરેલ ચોમાસુ પાકને બચાવી શકાય તેમ છે.કંકાવટી નદી પર મુકેલ વાલ્વમાંથી પાણી છોડવાથી આજુબાજુના ગામો જગા, મેડી, વરણા, જામવંથલી, લાખાણી મોટો વાસ, લાખાણી નાનાવાસ, રણજીતપર, ખીલોશ અને ફલ્લા વગેરે ગામોના ખેડૂતોના પાક બચાવી શકાઇ તેમ છે. તેવી રીતે અન્ય વાલ્વમાંથી પાણી છોડવાથી જામનગર તાલુકાના અન્ય ગામોના ખેડૂતોના પાકને બચાવી શકાઇ તેમ જેથી સરકાર ખરેખર જો ખેડૂતોની આવક બમણી નહિ પણ તેના કરેલા ખર્ચ અને તેના માલઢોર બચાવવાની સંવેદનશીલ સરકારમાં સંવેદના હોઇ તો પળવારનો પણ વિલંબ કર્યા વગર પાણી છોડી દેવું જોઇએ તેમ અંતમાં જણાવ્યું છે.