– રંગમતિ ડેમના દરવાજા રીપેર કરવાના હોવાથી પાણી છોડવામાં આવ્યું
– મહાનગરપાલિકા દ્વારા કેનાલ સાફ કરવામા આવી
– કેનાલમા કચરો ન જાય તે માટે 3 JCB અને 4 મનપાની ટીમ તૈનાત કરાઈ
– ડેમમાથી છોડવામાં આવેલ પાણી રણમલ તળાવમાં ભરાશે
-દરેડની કેનાલ મારફતે જામનગરના લાખોટા તળાવમાં ગઈકાલે રાત્રીથી નવા પાણીની આવક થઈ
Jamnagar News : જામનગરના રંગમતિ ડેમના દરવાજા રીપેર કરવાના હોવાથી પાણી છોડવામાં આવ્યું હતું. જે માટે મહાનગરપાલિકા દ્વારા કેનાલ સાફ કરવામા આવી હતી. આ સાથે ફરી કેનાલમા કચરો ન જાય તે માટે 3 JCB અને 4 મનપાની ટીમ તૈનાત કરવામા આવી હતી. આ ઉપરાંત ડેમમાથી છોડવામા આવેલ પાણી રણમલ તળાવમાં ભરવામાં આવશે.
જામનગર નજીક આવેલા રંગમતી ડેમ કે જેના દરવાજા વગેરે બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેથી હાલના સમયમાં ડેમમાં પાણીનો જથ્થો ભરેલો છે. તેને ખાલી કરવા માટેની પ્રક્રિયાઓ ઇરીગેશન વિભાગ દ્વારા ગઈકાલથી હાથ ધરવામાં આવી છે.
ગઈકાલે સવારે 7:00 વાગ્યાથી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. તેમજ ગઈકાલના દિવસ દરમિયાન પાણીની આવક ચાલુ રહી હતી. ત્યારબાદ મોડી સાંજે બંધ કરાયું હતું. તેમજ આજે સવારે ફરીથી પાણી છોડવાની પ્રક્રિયાઓ ચાલુ રહી હતી, અને દરેડની કેનાલ અને દરેડ ખોડીયાર મંદિરનો ચેકડેમનો વિસ્તાર જે ખાલીખમ હતો. જેમાં સંપૂર્ણપણે નવા પાણીની આવક થઈ હતી.
ત્યારબાદ ગઈકાલે મોડી રાત્રે દરેડથી જામનગરના લાખોટા તળાવ સુધી આવતી કેનાલમાં પાણીનો જથ્થો વાળવામાં આવ્યો હતો, અને મોડી રાત્રે જામનગરના લાખોટા તળાવમાં પણ નવા પાણીની આવક થઈ હતી. ત્યારબાદ આજે પણ નવું પાણી તળાવમાં આવી રહ્યું છે.
જો કે તળાવની કેનાલમાં ઉદ્યોગ નગર નજીકના વિસ્તારમાં કેમિકલ યુક્ત પાણી ભરેલું હતું. જે પૈકીનો કેટલોક પાણીનો જથ્થો મહાનગરપાલિકાના તંત્રએ નદીમાં વાળવાનો પ્રયત્ન કર્યો હતોઅને કેમિકલયુક્ત થોડું પાણી નદી તરફ વાળી લેવાયું હતું. ત્યારબાદ બાકીના પાણીનો જથ્થો તળાવમાં ઠાલવવામાં આવ્યો છે, અને હાલ તળાવની સપાટી ધીમે ધીમે વધી રહી છે. મહાનગરપાલિકાનું તંત્ર તેના પર નજર રાખી રહ્યું છે.
ઇરીગેશન વિભાગ દ્વારા અગાઉથી પાણી છોડવાના મુદ્દે નિચાણવાળા વિસ્તારોને ચેતવણી આપવામાં આવી હતી. જોકે નવા પાણીની આવક થવાથી માત્ર ચેક ડેમમાં જ પાણી આવ્યું છે. અન્ય કોઈ વિસ્તારમાં પાણી આવ્યાની અથવા તો લોકોને મુશ્કેલી પડી હોય તેવા કોઈ અહેવાલો મળ્યા નથી.
કુલ 57 એમસીએફટી જેટલો પાણીનો જથ્થો ડેમમાંથી ખાલી કરવામાં આવશે. ત્યારબાદ ડેમના દરવાજાને રીપેરીંગ વગેરેની કામગીરી હાથ ધરવામાં આવશે.
સાગર સંઘાણી