રાજય સરકારના આદેશ બાદ લુઝ દુધ વેચતા ફેરિયાઓ પર ઘોંસ બોલાવતી આરોગ્ય શાખા: પાંચ ટીમ બનાવી વહેલી સવારથી અલગ-અલગ વિસ્તારોમાં ત્રાટકી
રાજય સરકારના ફુડ વિભાગના આદેશના પગલે આજે મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વહેલી સવારથી લુઝ દુધના વિક્રેતાઓને ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લુઝ દુધમાં પાણી, વેજીટેબલ ફેટ, યુરીયા ખાતર, દુધ પાવડર અને માવા સહિતની વસ્તુઓની ભેળસેળ કરવામાં આવતી હોવાની શંકાના આધારે ૧૫ સ્થળેથી નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, લુઝ દુધ વેચતા ફેરીયાઓને ત્યાંથી દુધના નમુના લેવા રાજય સરકાર દ્વારા રાજયની તમામ મહાપાલિકાને આદેશ આપવામાં આવ્યો છે. જેને પગલે આજે આરોગ્ય શાખા દ્વારા પાંચ ટીમો બનાવી સવારથી નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જે અંતર્ગત ગોંડલ રોડ બ્રીજ પાસે સ્વામિનારાયણ ગુરૂકુલ નજીક અવધભાઈ વિનોદભાઈ ટોળીયા પાસેથી ગાયનું લુઝ દુધ, શ્રી મંગલમ એપાર્ટમેન્ટ પાસે ઘનશ્યામભાઈ ઓધવજીભાઈ મકવાણા નામના ફેરિયા પાસેથી લુઝ મીકસ દુધ, ઢેબર રોડ પર ગુરૂકુલ પાછળ કલ્પેશભાઈ ભરતભાઈ નશીત પાસેથી લુઝ ભેંસનું દુધ, મહેશભાઇ વશરામભાઈ લુણાગરીયા પાસેથી લુઝ ભેંસનું દુધ, વિવેકાનંદ બ્રીજ પાસે મહેશભાઈ ઓઘડભાઈ ગમારા પાસેથી લુઝ મિકસ દુધ, ગોંડલ રોડ સર્વિસ રોડ પાસે આહ્યા એપાર્ટમેન્ટવાળી શેરીમાં ઘનશ્યામભાઈ કાનજીભાઈ કાછડીયા નામના ફેરિયા પાસેથી લુઝ ગાયનું દુધ, કાલાવડ રોડ પર કોટેચા ચોકમાં રમેશભાઈ અરજણભાઈ દોમડીયા નામના ફેરિયા પાસેથી લુઝ ભેંસનું દુધ, કેકેવી ચોકમાં રમેશભાઈ રણછોડભાઈ કપુરીયા પાસેથી લુઝ મીકસ દુધ, સત્યસાંઈ રોડ પર ધર્મેશભાઈ જગાભાઈ પરમાર પાસેથી લુઝ ગાયનું દુધ, જયેશભાઈ અરજણભાઈ મેનપરા પાસેથી લુઝ મીકસ દુધ, નાનામવા રોડ પર મનસુખભાઈ મગનભાઈ હમીપરા નામના ફેરિયા પાસેથી લુઝ મીકસ દુધ અને ૧૫૦ ફુટ રીંગ રોડ પર નાનામવા સર્કલ પાસે ધર્મેશભાઈ વિનોદભાઈ મકવાણા, મારૂતિનગર ૮૦ ફુટ રોડ બજરંગ ચોક પાસે નિલેશભાઈ ગંગદાસભાઈ નોંધાવદરા પાસેથી લુઝ મીકસ દુધ, કેદારનાથ સોસાયટી મેઈન રોડ પર જીતેશભાઈ છગનભાઈ સાવલીયા પાસેથી લુઝ મીકસ દુધ અને કોઠારીયા રોડ પર કેદાર ગેઈટ પાસે કમલેશભાઈ વેલજીભાઈ સોરઠીયા નામના ફેરિયા પાસેથી મીકસ દુધના નમુનો લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. જેમાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ ગાય, ભેંસ, મીકસ કે અન્ય દુધમાં સ્ટાન્ડર્ડ મુજબ ફેટ એસએનએફ કે બેકટોરીયોલોજીકલ પરીક્ષણ કરવામાં આવશે જે ફેઈલ થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ગ્રાહકોએ પણ ગાયનું, ભેંસનું કે મીકસ દુધ છે તે ચકાસીને લેવું. પેકેટ દુધનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે. જેમાં નિયમાનુસાર વિગતો ચકાસવી. લુઝ દુધ વિક્રેતાઓને પરિવહન માટે ફુડ લાયસન્સ લેવું ફરજીયાત છે. આટલું જ નહીં વિક્રેતાઓએ દુધ ગાયનું, ભેંસનું કે મીકસ છે તે વેચાણ સમયે દર્શાવવું ફરજીયાત છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,