કયાં પાણી લીકેજ છે તેની તત્કાલ ખબર પડી જશે: કલોરિનની માત્રા પણ આસાનીથી જાણી શકાશે: મ્યુનિ.કમિશનર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સેવાઓને વધુ કાર્યક્ષમ, અસરકારક અને ખરા અર્થમાં પરિણામલક્ષી બનાવવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આ સિલસિલો હવે એક મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશી રહ્યો છે. રાજકોટ શહેરની સમગ્ર વોટર સિસ્ટમ હવે ઓનલાઈન થવા જઈ રહી છે. મહાનગરપાલિકાના વોટર સ્કાડા: ફેઇઝ-૩ હેઠળ હવે સ્માર્ટ સિટીના આઈ-વે પ્રોજેક્ટ સાથે શહેરની સમગ્ર વોટર ડીસ્ટ્રીબ્યુશન સિસ્ટમને જોડી દેવામાં આવશે અને વહીવટી તંત્રને તેમાંથી ઘણા ફાયદા પ્રાપ્ત થશે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવેલ હતું.
આ પ્રોજેક્ટ વિષે વાત કરતા મ્યુનિ. કમિશનરએ કહ્યું હતું કે, રાજકોટ શહેરમાં પરાયેલી વોટર પાઈપલાઈન, તમામ હેડવર્કસ અને એક્સપ્રેસ ફીડર લાઈનને સ્કાડા: ફેઇઝ-૩ હેઠળ રાજકોટ આઈ-વે પ્રોજેક્ટ સાથે જોડી દેવામાં આવશે. જેમાં વોટર સિસ્ટમને ફ્લોમીટર, લેવલ સેન્સર, ક્લોરીન સેન્સર અને રીમોટ ટ્રાન્સમીશન યુનિટ ફિટ કરવામાં આવશે.
કમિશનરએ પુરક માહિતી આપતા ઉમેર્યું હતું કે, આખી વોટર સિસ્ટમ એક્ટીવ થઇ ગયા બાદ શહેરમાં જ્યાં ક્યાંય પણ પાણી લીકેજનો પ્રશ્ન ઉપસ્તિ થશે તો તુર્ત જ તે આઈડેન્ટીફાય થઇ જશે અને તાત્કાલિક તેને ઠીકઠાક કરી શકાશે. ક્લોરીન સેન્સર ઇન્સ્ટોલ થવાથી જળ જથ્થોમાં કલોરીનની માત્રા જાળવવામાં સરળતા રહેશે.
ક્યાં કેટલું ક્લોરોન છે તે આસાનીથી જાણી શકાશે.ઉપરાંત શહેરના ત્રણેય ઝોનમાં પાણી વિતરણનું મોનિટરિંગ ખુબ જ આસન બની શકે છે, જેમાં ખરેખર ક્યાં ઝોન, વોર્ડ કે વિસ્તારમાં કેટલા ઓછા કે વધતા પ્રમાણમાં જળ જથથાનું વિતરણ થઇ રહ્યું છે તેની ત્વરિત માહિતી મળી રહેવાથી તુર્ત જ આવશ્યક પગલા લઈ શકાશે. પાણીની ગુણવત્તા પણ નિયમિત રીતે મેઇન્ટેઇન કરવામાં સ્કાડા:ફેઇઝ-૩ આશીર્વાદરૂપ પુરવાર થઇ શકે છે.
વિશેષમાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, શહેરના પાણી વિતરણ સમયપત્રક વધુ આસાનીથી મેઇન્ટેઇન કરી શકાશે અને તંત્રની ડીમાન્ડ અનુસાર સમયમાં ફેરફાર કરી શકાશે.
ઓછા વધતા જળ જથ્થાના કિસ્સામાં પણ જરૂરી કાર્યવાહી ઝડપી કરી શકાશે.અન્ય એક મહત્વપૂર્ણ બાબત તરફ ધ્યાન દોરતા મ્યુનિ. કમિશનરએ ઉમેર્યું કે, શહેરમાં કુલ ૩૬ ફ્લોમીટર મુકવામાં આવી રહ્યા છે. સ્વાભાવિક રીતે જ ફ્લોમીટર મુકવા માટે પાઈપલાઈન ખોલવી પડે અને પાણી વિતરણ થોડો સમય બંધ પણ રાખવી પડે, પરંતુ વહીવટી તંત્રે અત્યાર સુધીમાં ૩૬ પૈકી ૨૫ ફ્લોમીટર શટડાઉન (પાણી વિતરણ બંધ રાખીને) લીધા વગર જ ઇન્સ્ટોલ કરવાની કામગીરી પૂર્ણ કરી લીધી છે.
વેસ્ટ ઝોનમાં આ કામ પૂર્ણ થયું છે. સેન્ટ્રલ ઝોનમાં હવે માત્ર એક ફ્લોમીટર ઇન્સ્ટોલ કરવાનું બાકી છે, જયારે ઈસ્ટ ઝોનમાં હવે કામગીરી શરુ થશે.રાજકોટ મહાનગરપાલિકા આ પ્રોજેક્ટ નિર્ધારિત સમય પહેલા જ પૂર્ણ કરી લેશે. આમ તો સમયમર્યાદા માર્ચ ૨૦૧૯ સુધીની છે, પરંતુ આગામી નવેમ્બર ૨૦૧૮ સુધીમાં સમગ્ર કામગીરી પૂર્ણ થશે. વોટર સિસ્ટમ ઓનલાઈન એક્ટીવ થઇ જશે.