સમગ્ર રાજયમાં એકમાત્ર રાજકોટ જિલ્લામાં જ પાણી પ્રશ્નને નિવારવા દરેક ગામોની મુલાકાત લેવાનો સરાહનીય નિર્ણય: જિલ્લા માટે પાણીની સમસ્યા સામે ૧૭ કરોડનો માસ્ટર પ્લાન અમલમાં
રાજકોટ જિલ્લાના દરેક ગામોમાં દર અઠવાડિયે સરકારી કર્મચારીને પાણી વ્યવસ્થાની ચકાસણી અર્થે મોકલવા પ્રાંત અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સરકારી કર્મીઓએ રાજકોટ જિલ્લાના ૫૯૬ ગામની એક વખત મુલાકાત લઈ પણ લીધી છે. સમગ્ર રાજયમાં એકમાત્ર રાજકોટ જિલ્લામાં જ પાણી પ્રશ્ર્નને નિવારવા દરેક ગામોની મુલાકાત લેવાનો જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ સરાહનીય નિર્ણય કર્યો છે.
આ અંગે વિગતમાં જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ કહ્યું કે, પીવાના પાણીની સ્થિતિ સંદર્ભે જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે કે, દર અઠવાડિયે તલાટી મંત્રી અથવા અન્ય કોઈ કર્મચારીઓને દરેક ગામોમાં વીઝીટ કરાવીને ગ્રામ સેવકો તેમજ સરપંચો સાથે બેઠક યોજી તેમજ રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરીને પાણી વ્યવસ્થાનો રિપોર્ટ આપવાનો રહેશે. જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાના આ આદેશના પગલે જિલ્લાના ૫૯૬ ગામોની સરકારી કર્મચારીઓએ એક વખત મુલાકાત લઈ રિપોર્ટ પણ સબમીટ કરાવ્યો છે. આ રિપોર્ટમાં કોઈ મોટી સમસ્યા હજુ સુધી નોંધાઈ નથી.
સમગ્ર રાજયમાં રાજકોટ જિલ્લો જ એકમાત્ર એવો જિલ્લો છે જયાં સરકારી કર્મચારી દ્વારા તમામ ગામોની વીઝીટ લઈને પાણી વ્યવસ્થાની સ્થળ ઉપર જઈને ચકાસણી કરવામાં આવી રહી છે. વધુમાં જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું કે, સરકારે પાણીની પરિસ્થિતિ અંગેના જે ધારા ધોરણો નકકી કર્યા છે તે મુજબ જિલ્લાના ચિંતા જેવી સ્થિતિ નથી. હાલ જિલ્લામાં ૪૪૪ જેટલા ટેન્કરના ફેરાઓ ચાલુ છે. આ ફેરાઓમાંથી મોટાભાગના ટેન્કરના ફેરા રૂડા વિસ્તારમાં કાર્યરત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ અગાઉ જસદણની પેટા ચૂંટણી પૂર્વે ૧૪ કરોડનો પાણી પ્રશ્ર્ન નિવારવા માસ્ટર પ્લાન બનાવ્યો હતો. જસદણની ચૂંટણી બાદ જસદણને પણ આ માસ્ટર પ્લાનમાં સમાવી લીધા બાદ તેના માટે રૂ.૧૭ કરોડ ફાળવવામાં આવ્યા છે. હાલની સ્થિતિમાં જિલ્લામાં કયાંય પાણીની મોટી સમસ્યા વહીવટી તંત્ર સમક્ષ નોંધાઈ નથી. હાલ તો સમગ્ર ઉનાળો સામાન્ય રીતે વિતે આ દરમિયાન કોઈ પાણીની મોટી સમસ્યા ન નોંધાય તેવી આશા સેવાઈ રહી છે.