ગ્રામ પંચાયત અને લોક ભાગીદારીથી સિંચાઇના કામોને વેગ આપો : મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ કચ્છના રાપર તાલુકાના વિવિધ ગામોના સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત ચાલતા વિકાસકામોનું જાત નિરીક્ષણ કરીને મુલાકાત લીધી હતી. મંત્રીએ પેયજળ અને સિંચાઇ વિભાગના કામો વિશે વિગતવાર જાણકારી મેળવી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી. તેઓએ મુલાકાત દરમિયાન ગામ લોકોના પાણી વિતરણ અંગેના પ્રશ્નો સાંભળીને તાત્કાલિક નિવારણ આવે તે દિશામાં કામગીરી કરવા તાકીદ કરી હતી.
રાપર તાલુકાના કાનમેર, મેવાસા અને ચિત્રોડ ગામે પાણી પુરવઠા અને સુજલામ સુફલામ અંતગર્ત ચાલી રહેલા તળાવના કામની સ્થળ પર જઈને મુલાકાત લીધી હતી. ઉનાળાની ઋતુમાં પાણીની સમસ્યાનું નિવારણ આવે અને વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે અધિકારીઓને ઝડપથી પ્રશ્નો ઉકેલવા મંત્રીએ તાકીદ કરી હતી. લોકભાગીદારી અને ગામ પંચાયત સાથે મળીને સિંચાઇના નવા કામો થાય તે દિશામાં પ્રયાસ કરવા અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું. તેઓએ ભીમાસર, આડેસર, હમીરપર વગેરે ગામોના પાણીના પ્રશ્નોની રજૂઆતો સાંભળી હતી.
આ પ્રશ્નોના નિવારણ માટે તમામ સહયોગ આપવા ખાતરી આપી હતી અને અધિકારીઓને સ્થાનિક કક્ષાએ સમસ્યાઓનું ઝડપી નિવારણ આવે તે માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું. પાણીની લાઈનમાં જોડાયેલા ગેર કાયદેસર કનેક્શન દૂર કરવા, નવા પાણીના સ્ત્રોતને આઈડેન્ટીફાય કરવા, પમ્પિંગ માટે નવા સાધનોની દરખાસ્તનો ઝડપથી નિકાલ કરવા મંત્રીએ જણાવ્યું હતું.