જે ગામોમાં સૌથી વધુ પીવાના પાણીની અછત છે તે ગામના સરપંચોને મીટીંગમાં નહીં બોલાવાતા રોષ

રાજયનાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે પીવાના પાણીથી ત્રસ્ત એવા જાફરાબાદની મુલાકાત લીધી હતી અને નગરપાલિકાનાં હોલ ખાતે તાલુકાના સરપંચો, સ્થાનિક આગેવાનો અને ભાજપના આગેવાનો સાથે બેઠક યોજી જાફરાબાદ શહેર અને તાલુકામાં પીવાના પાણીની તંગી અંગેની માહિતી મેળવી હતી. મંત્રી સાથે પાણી પુરવઠા બોર્ડનાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો અને સરપંચોએ પોત પોતાના વિસ્તારો, ગામોમાં પાણીની હાડમારી છે તે અંગેની રજુઆત કરી હતી. મંત્રીએ પીવાના પાણીનાં પ્રશ્ર્નોનાં ટુંકા સમયગાળામાં જ નિકાલ લાવવાની બાંહેધરી આપી હતી.

અત્રે એ બાબત ઉલ્લેખનીય છે કે, જાફરાબાદ તાલુકાના ફાચરીયા, માણસા, કડિયાળી, ચિત્રાસર જેવા ગામોમાં પીવાના પાણીની તંગી મોટા પ્રમાણમાં અહીંના સ્થાનિક બોર પણ ડુકી ગયા હોવાનું જિલ્લા પંચાયતનાં સદસ્ય ટીકુભાઈ વરૂએ જણાવ્યું હતું. સૌથી ચોંકાવનારી વિગતો એવા પ્રકારની છે કે, આજે પાણી પુરવઠા મંત્રી તાલુકાભરનાં સરપંચો સાથે પીવાના પાણીનાં પ્રશ્ર્નો જાણવા અને ઉકેલવા માટે મીટીંગ બોલાવી હતી પરંતુ વહિવટીતંત્ર કે સ્થાનિક નેતાગીરી દ્વારા એક યા બીજા કારણોસર ૪૦ ટકા જેટલા ગામોનાં સરપંચો કે જે ગામોમાં સૌથી વધારે પીવાના પાણીની ખેંચ છે તેવા ગામોનાં સરપંચોને આ મહત્વપૂર્ણ બેઠકમાં બોલાવ્યા ન હતા. જેમ આવા ગામોનાં સરપંચોમાં ભારે રોષ ફેલાયો હતો.

ગઈકાલે જાફરાબાદના પીવાના પાણીનાં પ્રશ્ર્નો જાણવા અને નિરાકરણ કરવા પ્રભારીમંત્રીથી આર.સી.ફળદુએ પણ જાફરાબાદ શહેર અને તાલુકાનાં ફાચરીયા, ચિત્રાસર વિગેરે ગામોની મુલાકાત પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકી તથા સ્થાનિક ભાજપ આગેવાનોને સાથે રાખીને કરી હતી અને પ્રશ્ર્નો જાણ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.