જલશકિત મંત્રાલય દ્વારા વિજેતા જાહેર કરી કરાયું સન્માન
સરકાર દ્વારા વરસાદી પાણી ભૂગર્ભ (વોટર હાર્વેસ્ટિંગ)માં ઉતારવા માટે સરકારી મકાનોમાં નકકર આયોજન કરવામાં આવી રહયુ છે. પડધરીમાં બની રહેલા તાલુકા પંચાયતના મકાનમાં પણ વોટર હાર્વેસ્ટિંગ થવાનું છે. નવા બનનારા મકાનોમાં પણ લોકો વોટર હાર્વેસ્ટિંગ અપનાવે તે માટેની અપીલ પદાધિકારીઓ- અધિકારીઓ દ્વારા પ્રજાને કરવામાં આવતી હોય છે.
રાજકોટમાં કોઠારિયા કોલોનીમાં રહેતા 90 ટકા દ્ષ્ટિહિન દિવ્યાંગ મહેન્દ્રસિંહ ઝાલા પોતાના ઘરે દર વર્ષે સરેરાશ એક લાખ લિટર વરસાદનું પાણી ભૂગર્ભ જળમાં પરિવર્તિત કરે છે. જલ શકિત મંત્રાલય દ્વારા એપ્રિલ ર0ર1 માં વોટર હીરો સ્પર્ધા યોજાઇ હતી.
જેમાં ઝાલાની જળ બચાવો અને જળ સંચયની પ્રેરણાદાયી પ્રવૃતિની કદર કરી જલ શકિત મંત્રાલય, ભારત સરકાર દ્વારા ઝાલાને વિજેતા જાહેર કરી પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર એનાયત કરીને સન્માનીત કરાયા હતા. આમ ઝાલાએ સ્વખર્ચે પોતાના ઘરે આ પધ્ધતિ અપનાવી લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. ઝાલા આઇટીઆઇમાં સુપરવાઇઝર તરીકે ઇન્સ્ટ્રકટર તરીકે સેવા નિવૃત્ત થયેલા છે. તેમજ તેઓ અંધ સર્વોદય મંડળના સદસ્ય છે.
આ વિશે ઝાલા કહે છે કે, વહી જતાં વરસાદી પાણી નદી, નાળા, દરિયામાં વહી જાય છે જેથી ભૂગર્ભમાં પાણીના તળો ખૂબ જ ઉંડા જતાં રહેતા હોય છે. આ વહી જતું પાણી મારા ઘરમાં જ રહે એટલે મે મારી છત ઉપરથી વહિ જતાં પાણીની પાઇપ લાઇન જમીનમાં સબમર્શીબલમાં મૂકાવેલ છે. આ માટે પાઇપ લાઇનનો બહુ નજીવો ખર્ચ થાય છે. આપણા સૌરાષ્ટ્રમાં બારમાસી નદીઓ આવેલી નથી. માટે પાણી માટે વરસાદના પાણીનો જ સંગ્રહ કરવો બહેતર છે. વધુને વધુ લોકો વરસાદી પાણીનો સંગ્રહ કરે તો ભૂગર્ભ જળથી લોકો ફાયદો લઇ શકશે. અને પાણીની સમસ્યા હલ થઇ શકશે.