કોટીયાર્ડની ૬ વિંગ પૈકી વિંગ–ઈ અને એફમાં ખુબ જ ધીમા ફોર્સથી પાણી આવતું હોય મેયર તથા ડેપ્યુટી મેયરને રજુઆત
શહેરના વોર્ડ નં.૧૧માં અંબિકા ટાઉનશીપ પાસે આવેલી કોર્ટયાર્ડ ટાઉનશીપમાં છેલ્લા છ માસથી ધીમા ફોર્સથી અને અપુરતુ પાણી આવતું હોય આજે ૫૦થી વધુ મહિલાઓ અને ૧૦૦ જેટલા પુરુષોનું ટોળુ કોર્પોરેશન કચેરીએ રજુઆત કરવા ધસી આવ્યું હતું. મેયર બીનાબેન આચાર્ય અને ડેપ્યુટી મેયર અશ્વીનભાઈ મોલીયાને પાણી પ્રશ્ને રજુઆત કરી સમસ્યાનો નિકાલ કરવાની માંગણી કરી હતી.
વોર્ડ નં.૧૧માં કોર્ટયાર્ડ ટાઉનશીપમાં ૬ જેટલી વિંગ આવેલી છે જેમાં વિંગ નં.ઈ અને એફમાં છેલ્લા ૬ માસથી અત્યંત ધીમા ફોર્સથી અને પુરુ ૨૦ મિનિટ પાણી આવતું નથી. આ અંગે વોર્ડના ડીઈઈથી લઈ સીટી એન્જીનીયર સુધીના તમામ અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો નિકાલ થયો નથી. આજે ટાઉનશીપના આગેવાન બાબુભાઈ પળથીયા, મગનભાઈ ભુવા અને કાંતીભાઈ તારપરાની આગેવાનીમાં ૧૫૦ થી વધુ લોકોના ટોળાએ મેયર બીનાબેન આચાર્ય અને ડે.મેયર અશ્વીનભાઈ મોલીયાને રજુઆત કરી હતી.