વોર્ડનાં એઈઈ ભાવેશ રાવલ મહિલાઓ સાથે ખરાબ ભાષામાં વ્યવહાર કરતા હોવાની પણ ફરિયાદ: વિપક્ષી નેતા વશરામ સાગઠીયાને રજુઆત
શહેરનાં વોર્ડ નં.૧૮માં બાલાજી પાર્ક-૨ વિસ્તારમાં પાણીનો પોકાર સર્જાયો છે. અવાર-નવાર પાણી પ્રશ્ને રજુઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નિવેડો લાવવામાં આવતો નથી. આજે પાણી પ્રશ્ને મહિલાઓનું ટોળુ કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું હતું અને વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને રજુઆત કરી હતી.
લતાવાસીઓએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૮માં બાલાજી પાર્ક-૨ વિસ્તાર જયારથી મહાપાલિકામાં ભળ્યો છે ત્યારથી પાણીની કોઈ સુવિધા મળી નથી આ અંગે અવાર-નવાર રજુઆત કરવામાં આવી છે છતાં મહાપાલિકા તંત્ર દ્વારા સમસ્યાનાં ઉકેલ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ડહોળુ પાણી મળતું હોવાની ફરિયાદ કરતાં તંત્રએ પાણી આપવાનું જ બંધ કરી દીધું છે જેનાં કારણે હાલ વેચાતા ટેન્કર મંગાવવા પડે છે. આ અંગે વોટર વર્કસ શાખાનાં એઈઈ ભાવેશ રાવલને રજુઆત કરવામાં આવે તો તે ઉડાવ જવાબ આપે છે અને મહિલાઓ સાથે ખરાબ વર્તન કરે છે. તાત્કાલિક ધોરણે વિસ્તારનાં પાણી પ્રશ્ન હલ કરવા આજે રજુઆત કરવામાં આવી હતી.