ઢાંકી પમ્પીંગ સ્ટેશન ખાતે વીજ ફોલ્ટ સર્જાવાના કારણે રાજકોટને છેલ્લા બે દિવસથી નર્મદાના નીર પૂરતા પ્રમાણમાં મળતા નથી. જેના કારણે શહેરની પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જવા પામી છે. આજે શહેરના બે વોર્ડના લાખો લોકો તરસ્યા રહ્યા હતા. જ્યારે ચાર વોર્ડમાં કલાકો મોડું પાણી વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લા ગાર્ડન હેડ વર્ક્સ હેઠળ આવતા વોર્ડ નં.7 અને 14માં પાણી વિતરણ બંધ: વોર્ડ નં.4, 8, 11 અને 13ના અનેક વિસ્તારોમાં કલાકો મોડું પાણી વિતરણ

હડાળાથી બેડી અને રૈયાધાર પર મળતા નર્મદાના નીર ગત બુધવારથી વીજ ફોલ્ટ સર્જાવાના કારણે પૂરતા પ્રમાણમાં મળ્યા ન હતા. અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે આજે 6 વોર્ડના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ કરી શકાશે નહિં પરંતુ ઇએસઆર-જીએસઆરમાં પાણીનું લેવલ થતાં ચંદ્રેશનગર હેડ વર્ક્સ હેઠળ આવતા વોર્ડ નં.8 (પાર્ટ), વોર્ડ નં.11 (પાર્ટ) અને વોર્ડ નં.13 (પાર્ટ)ના વિસ્તારો ઉપરાંત બેડી હેડ વર્ક્સ આધારિત વોર્ડ નં.4ના વિસ્તારોમાં બપોર પછી પાણી વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

જ્યારે જિલ્લા ગાર્ડન હેડ વર્ક્સ હેઠળ આવતા વોર્ડ નં.7 (પાર્ટ) અને વોર્ડ નં.14 (પાર્ટ)ના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ કરી શકાયુ ન હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં 200 એમએલડીથી વધુ પાણીની ઘટ્ટ પડી છે. ગઇકાલે વોર્ડ નં.1, 2, 3, 9 અને 10માં અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું. દરમિયાન આજે પણ શહેરના બે વોર્ડ તરસ્યા રહ્યા છે. જ્યારે ચાર વોર્ડમાં નિર્ધારિત સમય કરતા કલાકો સુધી મોડું પાણી વિતરણ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.